મતદારોને સરળતા રહે એ માટે ૭૫૦ પોલિંગ-બૂથ હાઉસિંગ સોસાયટીઓમાં

15 January, 2026 07:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ વખતે સ્ટેટ ઇલેક્શન કમિશને એક પોલિંગ-બૂથ પર વધારેમાં વધારે ૮૦૦ મતદારો હોય એ બાબતનું ધ્યાન રાખ્યું છે

પ્રતીકાત્મક તસવીર

મતદારોને મત આપવા જવામાં સરળતા રહે એ માટે સ્ટેટ ઇલેક્શન કમિશને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનની આજની ચૂંટણીમાં ૭૫૦ પોલિંગ-બૂથ હાઉસિંગ સોસાયટીમાં ઊભા કર્યા છે. 
ગયા વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ થઈ ત્યારે હાઉસિંગ સોસાયટીમાં ૮૫૦ પોલિંગ-બૂથ રાખ્યા હતા. આ વખતે ઇલેક્શન કમિશને જે હાઉસિંગ સોસાયટીમાંથી કોઈ ઉમેદવાર ઊભા હોય તો એ હાઉસિંગ સોસાયટીમાં બૂથ ઊભા કરવાનું ટાળ્યું હતું. વળી આ વખતે સ્ટેટ ઇલેક્શન કમિશને એક પોલિંગ-બૂથ પર વધારેમાં વધારે ૮૦૦ મતદારો હોય એ બાબતનું ધ્યાન રાખ્યું છે, પહેલાં ૧૨૦૦-૧૮૦૦ મતદારો રાખવામાં આવતા હતા. 

સ્ટેટ ઇલેક્શન કમિશનર દિનેશ વાઘમારેએ આ બાબતે કહ્યું હતું કે ‘વિધાનસભાની ચૂંટણી વખતે હાઉસિંગ સોસાયટીમાં રાખવામાં આવેલા બૂથ પર અંદાજે ૧૫ ટકા મતદાન વધુ થયું હોવાનું નોંધાયું હતું. ખાસ કરીને મહિલાઓ અને સિનિયર સિટિઝનોને એનાથી પોલિંગ-બૂથ પર જવું બહુ જ આસાન રહ્યું હતું. આ બાબતે વિધાનસભા અને વિધાન પરિષદ બન્નેના સભ્યો સહિત સરકારી અધિકારીઓએ પણ આ બાબતને સરાહી હતી અને એનો ફાયદો થયો હોવાનું જણાવ્યું હતું. વળી આ નિર્ણય લેતી વખતે ઇલેક્શનના નિયમોનો ભંગ ન થાય એ બાબતની પણ કાળજી લેવામાં આવી છે. આ પોલિંગ-બૂથમાં ફૂડની સપ્લાય નહીં કરાય, મતદારોની સંખ્યા પણ લિમિટેડ ૮૦૦ જ રાખવામાં આવી છે. વળી મુખ્ય પોલિંગ-સેન્ટરથી બૂથનું અંતર ૧૦૦ મીટર રાખવામાં આવ્યું છે અને આ નિયોમોમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યા નથી. 

વોટિંગ માટે EVM મશીન્સ સોંપાયાં ઇલેક્શન ઑફિસર્સને

મતદાનના આગલા દિવસે મુંબઈની સાયન મ્યુનિસિપલ સ્કૂલમાં ચૂંટણી-અધિકારીઓને ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન્સ (EVM) સોંપવામાં આવ્યાં હતાં. તસવીર : શાદાબ ખાન

mumbai news mumbai bmc election brihanmumbai municipal corporation municipal elections maharashtra government