16 January, 2026 07:11 AM IST | Mumbai | Mehul Jethva
મતદાન કેન્દ્ર સુધી લાવેલા લોકો સાથે રાજેશ ચાવડા.
લોકશાહીના પર્વમાં દરેક મત કીમતી છે. જોકે થાણેના એક જાગૃત નાગરિકે આ વાતને સાચા અર્થમાં સાર્થક કરી બતાવી છે. થાણેના વાગળે એસ્ટેટમાં રહેતા રાજેશ ચાવડાએ ગઈ કાલે મતદાનના દિવસે એક અનોખો અને પ્રશંસનીય સંકલ્પ કર્યો હતો જેની સમગ્ર વિસ્તારમાં ચર્ચા થઈ રહી હતી. રાજેશભાઈએ ગઈ કાલે સવારે જ મક્કમ નિર્ધાર કર્યો હતો કે તેઓ ત્યાં સુધી વોટ નહીં આપે જ્યાં સુધી અન્ય ૫૧ લોકોને મતદાન-કેન્દ્ર સુધી પહોંચાડીને તેમનું વોટિંગ ન કરાવી લે. મુંબઈ અને થાણેમાં ગઈ કાલે સામાન્ય રીતે મતદાનની ટકાવારી ઓછી નોંધાઈ હતી ત્યારે રાજેશભાઈએ વ્યક્તિગત રીતે લોકોને ઘરની બહાર કાઢવાનું બીડું ઝડપ્યું હતું. રાજેશભાઈના આ કાર્યની સ્થાનિક રહેવાસીઓ દ્વારા અને સોશ્યલ મીડિયા પર ભારે પ્રશંસા થઈ હતી. જે મતદારો આળસને કારણે મતદાન કરવા નહોતા જવા માગતા તેઓ પણ રાજેશભાઈના ઉત્સાહને જોઈને મતદાનમથક સુધી પહોંચ્યા હતા.
માત્ર સોશ્યલ મીડિયા પર વાતો કરવાથી લોકશાહી મજબૂત નથી થતી, મારો ઉદ્દેશ એ હતો કે વધુમાં વધુ લોકો મતદાનની પ્રક્રિયામાં જોડાય અને એટલે મેં ૫૧ લોકોનું નિમિત્ત બનવાનું નક્કી કર્યું હતું અને એ પૂરું થયાનો મને સંતોષ છે એમ જણાવતાં રાજેશ ચાવડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે મારા સંકલ્પને પૂરો કરવા માટે હું વહેલી સવારથી જ સક્રિય થઈ ગયો હતો. વાગળે એસ્ટેટ વિસ્તારનાં બેથી ૩ બિલ્ડિંગોની મુલાકાત લઈને એમાં રહેતા વડીલો તેમ જ દિવ્યાંગોને મતદાન કરવા માટે તૈયાર કર્યા બાદ તમામને મતદાનમથક સુધી પહોંચાડ્યા હતા. એવી જ રીતે મુલુંડના પણ અમુક વિસ્તારોની મુલાકાત લઈને નાગરિકોને મતદાન કરવા પ્રેરિત કર્યા હતા. ત્યાર બાદ તેમને પણ મતદાનમથક સુધી પહોંચાડ્યા હતા. આ ઉપરાંત વોટર્સ-લિસ્ટમાં નામ શોધવામાં મુશ્કેલી અનુભવતા લોકોને માર્ગદર્શન આપ્યું હતું તથા જેમની પાસે વાહનની સગવડ નહોતી તેમને મતદાન-કેન્દ્ર સુધી લઈ જવાની વ્યવસ્થા કરી હતી. બપોર સુધી સતત દોડધામ કરીને જ્યારે ૫૧ લોકોએ સફળતાપૂર્વક પોતાનો વોટ આપી દીધો ત્યાર બાદ મેં મતદાન-કેન્દ્રમાં મારો કીમતી મત આપ્યો હતો.’