12 January, 2026 07:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે શિવાજી પાર્કમાં શિવસેના (UBT) અને MNSની સંયુક્ત રૅલી દરમ્યાન સ્ટેજ પરથી સમર્થકોનું અભિવાદન ઝીલતા ઉદ્ધવ અને રાજ ઠાકરે. તસવીર : રાણે આશિષ
ગઈ કાલે શિવસેના (UBT)ના ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના રાજ ઠાકરેએ દાદરના શિવાજી પાર્કમાં સંયુક્ત જાહેર સભાને સંબોધી હતી. આ સભામાં તેઓ શું-શું બોલ્યા એની ઝલક વાંચી લો...
રાજ ઠાકરે
૨૦૨૪માં જ્યારે મહારાષ્ટ્રમાં હિન્દી ભાષાને ફરજિયાત લાદવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે અમે વિરોધ કર્યો અને એકસાથે આવ્યા. અમારું સાથે આવવાનું મુખ્ય કારણ જ એ હતું કે તેઓ મુંબઈને અલગ કરવા માગે છે.
એ પછી સાથે આવવાની આ પ્રોસેસમાં અમે મરાઠી માણૂસ માટે સાથે આવીને BMCની ચૂંટણી લડવાનો નિર્ણય લીધો. પક્ષમાં અનેકને ઉમેદવારી ન આપી શકાઈ, ઘણા છોડીને ગયા, ઘણા નારાજ થયા, પણ હું દિલગીર છું.
હવે તે લોકો (BJP) જમીનો બીજા પાસેથી ખરીદીને મુંબઈ પોતાની કરવા માગે છે અને મુંબઈમાં તેમના માણસો ઘુસાડે છે.
આ લોકોને આટલા મત મળે છે કઈ રીતે?
તેમના ૬૬ ઉમેદવારો બિનવિરોધ ચૂંટાઈ આવ્યા, હવે એ આંકડો વધતો જશે.
તુળજાપુરમાં ડ્રગ્સના આરોપીને અને બદલાપુરમાં બાળકીઓ પરના બળાત્કારના કેસના આરોપીને ઉમેદવારી આપી. આટલી હિંમત તેમનામાં આવે છે ક્યાંથી?
ગેરરીતિઓ કરીને ચૂંટણી જીતવાનું તંત્ર જ્યારે શીખી જાય તો જ આવું બની શકે.
મુંબઈ, મહારાષ્ટ્ર અને દેશ વેચવા કાઢ્યા છે.
નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા એ પહેલાં ગૌતમ અદાણી પાસે આખા દેશમાં ગણ્યાગાંઠ્યા પ્રોજેક્ટ્સ હતા. છેલ્લાં ૧૦ વર્ષમાં અનેક પ્રોજેક્ટ્સ તેમને આપવામાં આવ્યા છે. વીજળી, પોર્ટ્સ, ઍરપોર્ટ, સિમેન્ટ એમ અનેક ક્ષેત્રો તેમને આપી દેવાયાં છે.
૧૦ જ વર્ષમાં એક જ માણસને આટલો બધો આગળ આવેલો ક્યારેય જોયો નથી.
તેમને મુંબઈ ગુજરાત લઈ જવું છે અને એ માટે લૉન્ગ-ટર્મ પ્લાનિંગ કર્યું છે એથી વાઢવણ પોર્ટ જે ગુજરાતથી નજીક છે એ વિકસાવે છે. ત્યાં અદાણીનો ઍરપોર્ટ બનાવવાનો પ્લાન છે. તેઓ MMR રીજનને બહુ જલદી કબજે કરી રહ્યા છે.
સંસદમાં, વિધાનસભામાં અને સુધરાઈમાં જ્યારે તેમના જ પક્ષની સત્તા હશે તો તેમને રોકશે કોણ? એટલે કહું છું સતર્ક રહો, સાવધ રહો.
તેમણે છગન ભુજબળને જેલમાં નાખ્યા, આજે તેઓ સાથે છે. અજિત પવાર સામે ગાડું ભરીને ભ્રષ્ટાચારના પુરાવા તેમણે જ આપ્યા, આજે તે તેમની સાથે છે; આવું તેમનું ધોરણ છે.
અલગ-અલગ કોમો વચ્ચે કોઈ ને કોઈ મુદ્દે ભડકાવવાનું કામ તેઓ કરે છે.
આ લોકો મરાઠીઓનું અસ્તિત્વ જ ખતમ કરી નાખશે. જો તમે જ નહીં હો તો અમે શું કરીશું?
ઉદ્ધવ ઠાકરે
મુંબઈનું નામ મુમ્બાદેવીના નામ પરથી પડ્યું છે, એ શું ફરી બૉમ્બે કરવાનો તેમનો ઇરાદો છે?
સંયુક્ત મહારાષ્ટ્રની લડત વખતે અનેક લોકો જોયા હતા. એમાં પહેલી હરોળમાં અમારા દાદા પ્રબોધનકાર ઠાકરે હતા. મારા પિતા બાળાસાહેબ ઠાકરે, શ્રીકાંત ઠાકરેએ પણ તેમની (લીડરશિપની) પરંપરા આગળ ચલાવી. હવે જવાબદારી અમારા પર છે. એ લીડરશિપ અમારા લોહીમાં છે.
એ લડાઈમાં ગુજરાતના નરરાક્ષસ મોરારજી દેસાઈએ મરાઠીઓ પર ગોળી ચલાવવાના આદેશ આપ્યા હતા.
BMCની ફિક્સ્ડ ડિપોઝિટ જે ૯૨,૦૦૦ કરોડ હતી એ હવે ઘટીને ૭૦,૦૦૦ કરોડ થઈ ગઈ છે.
હવામાં જે પ્રદૂષણ છે એ તેમના ભ્રષ્ટાચારનું પ્રદૂષણ છે. એમાં ૩ લાખ કરોડનો ભ્રષ્ટાચાર થયો છે. ૯૦ ટકા મુંબઈ ખોદી નાખી છે.
રોડ, ટનલ જે બધું બની રહ્યું છે એમાં અદાણીની સિમેન્ટ વપરાય છે. BJP BMC અદાણીને ધરી દેવા માગે છે.
દિલ્હી પ્રદૂષણને કારણે વેન્ટિલેટર પર છે જ્યારે મુંબઈ ICUમાં છે.
તમે મોદીના બૅન્ડવાજાવાળા છો, અમારી બ્રૅન્ડ પૂરી કરવા નીકળ્યા છો.
અમારી સાથે પવાર (શરદ પવાર) છે. જો રાજ્યમાંથી ઠાકરે અને પવાર બ્રૅન્ડ પૂરી થઈ જશે તો મરાઠીઓ બચશે જ નહીં.
BJPનુ હિન્દુત્વ ઢોંગ છે. પહલગામમાં પાકિસ્તાને હુમલો કર્યો. એની સાથે ક્રિકેટ-મૅચ રમવામાં તેમને વાંધો નથી આવતો. મને તો શંકા છે કે દેવેન્દ્ર ફડણવીસ હિન્દુ છે કે નહીં.