16 January, 2026 08:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભરતભાઈ અને તેમના ફૅમિલી-મેમ્બરનાં મતદાર-કાર્ડ અને અગાઉની ચૂંટણીઓમાં મત આપ્યાની રસીદ.
બોરીવલી-ઈસ્ટના દૌલતનગરમાં રહેતા ભરત ઉપાધ્યાયના આખા પરિવારનું નામ મતદારયાદીમાં નહોતું એટલું જ નહીં, તેમના વિસ્તારમાં મોટા ભાગના પરિવારોની આ જ સમસ્યા હતી. તેમની બાજુના નવનિધાન બિલ્ડિંગના ૭૫ ટકા પરિવારોનાં નામ મતદારયાદીમાંથી ગાયબ હતાં. આ બધા જ પરિવારોના સભ્યો બેથી ત્રણ કલાક મતદાન-બૂથ પર જઈ, પોતાનાં નામ શોધવાના નિષ્ફળ પ્રયત્નો કરીને પાછા ફર્યા હતા.
ભરત ઉપાધ્યાયે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દરેક ચૂંટણીમાં અમે એક જવાબદાર નાગરિક તરીકે મત આપ્યો છે. મતદાર-કાર્ડમાં કોઈ ફેરફાર કરાવવો હોય કે ૧૮ વર્ષના થતાં કેવી રીતે મતદાર-કાર્ડ કઢાવવું એની માહિતી આપીને મદદ કરીને મેં ૧૨૫ જેટલા લોકોનાં કાર્ડ બનાવડાવ્યાં છે, જેથી એ લોકો પણ મત આપવાનું મહત્ત્વ સમજે અને આજે મારા પરિવારના પાંચ સભ્યોનાં નામ જ ગાયબ છે.’
સ્લિપમાં નામ ન આવતાં બે દિવસથી ઑનલાઇન અને ઑફલાઇન પોતાનું નામ શોધવા માટે અનેક પ્રયત્નો કરવા છતાં છેવટે ભરતભાઈ વોટ આપી શક્યા નહોતા. તેમણે કહ્યું હતું કે ‘પોલિંગ-બૂથ પર મારું મતદાર-કાર્ડ, અગાઉ વોટ આપ્યાની સ્લિપ બધું જ બતાવ્યું, પણ તેમની પાસે કોઈ જ જવાબ નહોતો. ઊલટાનું અધિકારીઓએ કહ્યું કે એમ તો અહીં મોબાઇલ વાપરી ન શકાય, પણ જો ઍપ પર તમારું નામ મળતું હોય તો શોધો અને બીજાનાં નામ પણ શોધવાનો પ્રયત્ન કરો; બાકી અમારી પાસે આ લિસ્ટ છે એ સિવાયની કોઈ મદદ અમે નહીં કરી શકીએ.’
ભરતભાઈના જણાવવા મુજબ પોલિંગ-બૂથ પર આવતા મોટા ભાગના લોકોની ફરિયાદ હતી કે તેમના પરિવારમાંથી અમુક લોકોનાં નામ યાદીમાં અગાઉ હતાં, પણ આ ચૂંટણીમાં ગાયબ થઈ ગયાં છે. ચીફ ઇલેક્શન-કમિશનર સુધી પોતાની વાત રજૂ કરવાનું જણાવતાં ભરતભાઈએ કહ્યું હતું કે મારો નૈતિક અધિકાર મારી પાસેથી છીનવાયો છે એટલે હું બનતા બધા જ પ્રયત્નો કરીને લેખિતમાં જવાબ મેળવીને જ રહીશ.