12 March, 2025 09:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
BMCએ લાંબા સમયથી પડી રહેલાં ૧૫૪ વાહનોના માલિકોને વેહિકલ દૂર કરવાની નોટિસ મોકલી
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા ગઈ કાલે રસ્તામાં લાંબા સમયથી ઊભાં રાખવામાં આવેલાં વાહનોનો નિકાલ કરવાની શરૂઆત કરી હતી. BMCના એફ-નૉર્થ વૉર્ડમાં આવેલા માટુંગામાંથી ગઈ કાલે ૫૪ બેવારસ વાહનો દૂર કરવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત રસ્તામાં લાંબા સમયથી ઊભાં રાખવામાં આવેલાં ધૂળ ખાતાં અનેક ૧૫૪ વાહનમાલિકોને નોટિસ મોકલીને વાહનો દૂર કરવાનું કહેવામાં આવ્યું હતું.
શહેરમાં વિવિધ રસ્તામાં ઊભાં કરવામાં આવેલાં બેકાર અને બેવારસ વાહનોને લીધે ટ્રાફિકની સમસ્યા થવા ઉપરાંત રસ્તે ચાલનારા લોકોને પણ મુશ્કેલી થાય છે એવી ફરિયાદ BMCને મળી હતી. આથી ગઈ કાલે માટુંગામાં બાલકૃષ્ણ સુળે માર્ગ, રફી અહમદ કિડવાઈ માર્ગ, રાવલી ગનતારા માર્ગ, શેખ મિસ્ત્રી દરગાહ માર્ગ, કોરબા મીઠાગર માર્ગ, વડાલા ફાયર બ્રિગેડ માર્ગ સહિતના રસ્તામાંથી વાહનો દૂર કરવામાં આવ્યાં હતાં.