BMCની કલર-સિસ્ટમ કહેશે કે હવે રસ્તા પર ક્યાં વાહનો પાર્ક કરી શકાય અને ક્યાં નહીં

28 June, 2026 12:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જોકે જે જગ્યાએ વાહનો પાર્ક કરી શકાશે એવી જગ્યાએ ફુટપાથોને સફેદ અને બ્લૅક રંગે રંગવામાં આવી રહી છે. એથી મોટરિસ્ટોને તેમનાં વાહનો પાર્ક કરવામાં આસાની રહેશે.

વાઇટ ઍન્ડ બ્લૅક ફુટપાથ પાસે વાહનો પાર્ક કરી શકાશે. રેડ ઍન્ડ બ્લૅક ફુટપાથ એટલે નો પાર્કિંગ.

મુંબઈમાં પાર્કિંગની સમસ્યા બહુ મોટી છે અને દરેક વિસ્તારમાં પાર્કિંગપ્લેસ અવેલેબલ હોય જ એવું નથી એટલે લોકો રસ્તા પર જ્યાં જગ્યા મળે ત્યાં તેમનાં વાહનો પાર્ક કરી દેતા હોય છે જેને કારણે અન્ય લોકોને અને મોટરિસ્ટોને તકલીફ થતી હોય છે. આ સંદર્ભે થોડા વખત પહેલાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેએ આ સમસ્યાનો ઉકેલ લાવવા બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ને રજૂઆત કરી હતી અને એ માટે કેટલાંક સૂચનો પણ કર્યાં હતાં. એ સૂચનોને ગણતરીમાં લઈને હવે BMCએ પગલાં લેવાનું ચાલુ કર્યું છે. જે વિસ્તારમાં ભારે ટ્રાફિક રહેતો હોય અને એમાં પણ ખાસ કરીને ટર્નિંગ પર વાહનો પાર્ક ન થઈ શકે એની મોટરિસ્ટો અને ટૂ-વ્હીલર ચલાવનારાઓને જાણ થઈ શકે એ માટે ત્યાંની ફુટપાથના પથ્થરોને લાલ અને કાળા રંગે રંગવામાં આવી રહ્યા છે. રેડ ઍન્ડ બ્લૅક ફુટપાથ પાસે હવે પછી જો વાહનો પાર્ક કરાયેલાં હશે તો એમની પાસેથી દંડ વસૂલ કરવામાં આવશે. જોકે જે જગ્યાએ વાહનો પાર્ક કરી શકાશે એવી જગ્યાએ ફુટપાથોને સફેદ અને બ્લૅક રંગે રંગવામાં આવી રહી છે. એથી મોટરિસ્ટોને તેમનાં વાહનો પાર્ક કરવામાં આસાની રહેશે.

mumbai news mumbai raj thackeray maharashtra navnirman sena brihanmumbai municipal corporation mumbai traffic