25 November, 2026 08:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ગણેશોત્સવ અને નવરાત્રિ જેવા તહેવારો દરમ્યાન મૂર્તિ બનાવવા માટે વપરાતા પ્લાસ્ટર ઑફ પૅરિસ (PoP)નો જવાબદારીપૂર્વક નિકાલ અને રીસાઇક્લિંગ કરવાનું જરૂરી હોવાથી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ને આ પ્રક્રિયા પાછળ અંદાજે ૨.૬૧ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. એમાં ટ્રાન્સપોર્ટ અને રીસાઇક્લિંગનો ખર્ચ સૌથી વધુ છે.
વિવિધ વૉર્ડમાંથી PoP એકત્ર કરવા અને એના ટ્રાન્સપોર્ટેશન માટે ૮૦૭ વાહનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેનો ખર્ચ અંદાજે ૧.૨૩ કરોડ રૂપિયા થયો છે. આ વર્ષે BMCએ ૩૨૨૯ મેટ્રિક ટન PoP એકત્ર કર્યું છે, જ્યારે ગયા વર્ષે એકત્ર કરાયેલું ૨૮૦૦ મેટ્રિક ટન PoP હજી પણ સ્ટોરેજમાં છે. એને કારણે BMCના મુલુંડ સ્ટોરેજ સેન્ટર ખાતે કુલ જથ્થો લગભગ ૬૦૦૦ મેટ્રિક ટન પર પહોંચી ગયો છે. BMCનો અંદાજ છે કે આટલા જથ્થાનું રીસાઇક્લિંગ કરવા પાછળ લગભગ ૯૦ લાખ રૂપિયાનો ખર્ચ થશે.
BMCએ PoPના સંગ્રહ માટે કામચલાઉ શેડ બાંધવા પાછળ ૨૧ લાખ રૂપિયા, મશીનરી પાછળ ૧૯ લાખ રૂપિયા અને અનલોડિંગ, હૅન્ડલિંગ, વર્ગીકરણ તથા સ્ટોરેજમાં રોકાયેલા મજૂરો પાછળ ૮ લાખ રૂપિયાનો ખર્ચ પણ કર્યો છે.
- અદિતિ અલુરકર