28 May, 2026 09:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
રસ્તા પરના ખાડાની સમસ્યા દૂર કરવા માટે તેમ જ ચાલી રહેલા સમારકામને વેગ આપવા માટે વન પૉઇન્ટ ઑથોરિટીની નીતિને અપનાવતાં BMCએ શહેરના ૨૪ ફ્લાયઓવર સહિત કુલ ૪૧ બાંધકામોની દેખરેખનું કામ મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (MSRDC) પાસેથી હસ્તગત કરી લેવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. જોકે પહેલા ફ્લાયઓવર અને અન્ય બાંધકામોનો છેલ્લાં ૩ વર્ષનો દેખરેખનો ખર્ચ કેટલો થયો છે એ જણાવીને આગામી ૩ વર્ષના મેઇન્ટેનન્સની રકમ MSRDC દ્વારા આપવામાં આવે પછી જ જવાબદારી પોતાના શિરે લેશે એવી શરત BMCએ મૂકી છે.
૨૦ કિલોમીટરને આવરી લેતા ૨૪ ફ્લાયઓવરની જાળવણી હવે BMC કરશે. આ ઉપરાંત ૪ ફુટ ઓવરબ્રિજ, એક રોડ ઓવરબ્રિજ, એક વ્હીકલ અન્ડરપાસ, ચાર પેડેસ્ટ્રિયન અન્ડરપાસ તથા મુંબઈનાં અન્ય મુખ્ય જંક્શનો પર આવેલા ફ્લાયઓવર્સનો સમાવેશ થાય છે. કુલ ૪૧ બાંધકામોની દેખરેખ હવે BMC પોતાના હસ્તક લેશે.
ચોમાસા દરમ્યાન રસ્તા પર પડેલા ખાડાની ફરિયાદોને પહોંચી વળવા માટે તેમ જ સમારકામ ઝડપી થાય એ માટે આ હસ્તાંતરણ કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર સરકારે આ ટ્રાન્સફરને ગયા વર્ષે નવેમ્બર મહિનામાં મંજૂરી આપી હતી અને ૨૩ એપ્રિલે યોજાયેલી હાઈ-લેવલ મીટિંગમાં આ યોજનાના અમલ માટે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
BMC કામ કરશે, પૈસા કમાશે MSRDC
રસ્તાઓના સમારકામ તેમ જ ખાડા પૂરવાનું કામ BMCએ પોતાના માથે લેવાનું નક્કી કર્યું છે, પરંતુ ફ્લાયઓવર્સ અને અન્ય રસ્તાઓ જે MSRDC હેઠળ છે એના પર ઍડ્વર્ટાઇઝમેન્ટ, હોર્ડિંગ્સ વગેરેથી થતી કમાણી BMCને નહીં પરંતુ MSRDCને જ જશે એમ નક્કી થયું છે.