26 October, 2026 10:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મનોરી અને ગોરાઈ ગામોના આશરે ૧૯.૫૨ ચોરસ કિલોમીટર વિસ્તાર માટે ડેવલપમેન્ટ પ્લાન (DP)માં સુધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા પોતાના અધિકારક્ષેત્ર હેઠળ આવતાં મનોરી અને ગોરાઈ ગામોના આશરે ૧૯.૫૨ ચોરસ કિલોમીટર વિસ્તાર માટે ડેવલપમેન્ટ પ્લાન (DP)માં સુધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પગલાને કારણે મુંબઈના ઉત્તર-પશ્ચિમ ઉપનગરમાં આવેલા આ બન્ને દરિયાકાંઠાના વિસ્તારો માટેના પ્લાનિંગ રિવ્યુનો માર્ગ મોકળો થશે. BMCએ ગૅઝેટમાં નોટિસ પ્રસિદ્ધ થયાના ૬૦ દિવસની અંદર નાગરિકો પાસેથી વાંધા અને સૂચનો મગાવ્યાં છે.
BMCના એક અધિકારીએ જણાવ્યું હતું કે અગાઉ જાહેર કરાયેલા ડેવલપમેન્ટ પ્લાન ૨૦૩૪માંથી આ વિસ્તારને બાકાત રાખવામાં આવ્યો હતો, પરંતુ હવે તમામ જરૂરી મંજૂરીઓ મળ્યા બાદ નવો DP તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
મનોરી-ગોરાઈ પટ્ટામાં પ્રસ્તાવિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની શ્રેણીને સમાવવા માટે DPમાં સુધારા કરવા અનિવાર્ય બન્યા છે. BMC આ જ વિસ્તારમાં મુંબઈનો સૌપ્રથમ ડીસૅલિનેશન એટલે કે દરિયાના ખારા પાણીને મીઠું બનાવવાનો પ્લાન્ટ સ્થાપવાની યોજના ધરાવે છે. દરિયાના તળિયે ૨.૪ કિલોમીટર લાંબી ઑફશોર ઇનટેક ટનલ અને મનોરી, ચારકોપ તેમ જ મહાવીરનગરમાં શાફ્ટ દ્વારા પ્લાન્ટને કાંદિવલી સાથે જોડતી ૭.૨ કિલોમીટર લાંબી અન્ડરગ્રાઉન્ડ ટનલ ધરાવતા આ પ્રોજેક્ટનો સ્થાનિક સ્તરે વિરોધ પણ થયો છે. ૨૦૨૯ સુધીમાં તૈયાર થનારા આ પ્લાન્ટની ક્ષમતા ૨૦૦ મિલ્યન લીટર્સ પર ડે (MLD) રાખવામાં આવી છે, જે ૨૦૩૦ સુધીમાં વધારીને ૪૦૦ MLD કરવામાં આવશે.
બોરીવલીથી ગોરાઈ વચ્ચે રો-રો જેટીનો પ્રસ્તાવ
આ ઉપરાંત બોરીવલીથી ગોરાઈ વચ્ચે રોલ-ઑન-રોલ-ઑફ (રો-રો) જેટી તેમ જ ખાડી પાર કરીને માર્વે અને મનોરીને ભાઈંદર સાથે જોડતી સી-લિન્કનો પ્રસ્તાવ પણ છે, જે સ્થાનિક માછીમારોના ક્ષેત્રમાંથી પસાર થઈ શકે છે. પ્લાનિંગ ઑથોરિટી તરીકે મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)એ પણ મનોરી-ગોરાઈ-ઉત્તન પટ્ટામાં રસ્તા પહોળા કરવાનો અને નવા લિન્ક રોડ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ વિસ્તારને રેક્રીએશન ડેવલપમેન્ટ ઝોન જાહેર કરીને ત્યાં રિસૉર્ટ્સ, પાર્ક્સ તેમ જ ગોરાઈમાં ૧૦૦ એકરનું વિશાળ ટૂરિઝમ હબ બનાવવા માટે પ્રોત્સાહન આપવાની પણ યોજના છે.