બીએમસીના ગાર્ડનમાં તમારાં બાળકો જશે તો વાંચતાં થઈ જશે

19 June, 2022 11:31 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

મુંબઈ સુધરાઈ એમાં કરશે મસ્તમજાનો પ્રયોગ : તમામ ૨૪ વૉર્ડના ગાર્ડનમાં ઓપન લાઇબ્રેરી બનાવશે જેમાં ઇંગ્લિશ, હિન્દી, મરાઠી, ગુજરાતી ભાષાનાં પુસ્તકો, વાર્તાઓ, નૉવેલ અને મૅગેઝિન હશે : અત્યાર સુધીમાં સાત વૉર્ડમાં એ શરૂ થઈ ગઈ છે

બીએમસીના ગાર્ડનમાં શરૂ કરાયેલી ઓપન લાઇબ્રેરીમાં નાના-મોટા બધા જ લોકો ગમતાં પુસ્તકો સાથે એકદમ ખુશખુશાલ.

મોબાઇલ, લૅપટૉપ અને ટીવી સાથે જ જોડાઈ રહેલાં બાળકોને ફરી એક વખત વાંચતા કરવા અને કુદરતના સાંનિધ્યમાં લાવવાના પ્રયાસરૂપે બીએમસીએ હવે એના ગાર્ડનમાં ઓપન લાઇબ્રેરી શરૂ કરવાનું બીડું ઉપાડ્યું છે. એટલું જ નહીં, સાત વૉર્ડમાં તો લાઇબ્રેરી શરૂ પણ કરી દેવાઈ છે અને ટૂંક સમયમાં સુધરાઈના તમામ ૨૪ વૉર્ડમાં આ રીતની લાઇબ્રેરી શરૂ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

ગાર્ડનમાં ઓપન લાઇબ્રેરીના આ અનોખા અભિયાન વિશે માહિતી આપતાં બીએમસીના ગાર્ડન ડિપાર્ટમેન્ટના સુપરિન્ટેન્ડેન્ટ જિતેન્દ્ર પરદેશીએ કહ્યું હતું કે ‘કોવિડકાળમાં સ્કૂલો બંધ હતી અને બહાર જવા નહોતું મળતું એટલે બાળકો મોબાઇલ અને લૅપટૉપ પર જ ભણતાં હતાં અને મનોરંજન મેળવતાં હતાં. હવે બન્યું છે એવું કે કોવિડ પછી સ્કૂલો ખૂલી ગઈ છે અને બીજું બધું પણ ખૂલી ગયું છે; પરંતુ બાળકો હજી પણ મોબાઇલ, લૅપટૉપ અને બહુ-બહુ તો ટીવીમાં વ્યસ્ત રહે છે. તેમણે ગાર્ડનમાં જવાનું ઓછું કરી નાખ્યું છે. એ જ પ્રમાણે મોબાઇલ, લૅપટૉપ કે ટીવી ઑડિયો વિઝ્યુઅલ માધ્યમ છે એથી એની સામે તેમણે પુસ્તકો કે વાર્તાઓ વાંચવાનું છોડી દીધું છે જેની અસર તેમની હેલ્થ અને મેન્ટલ હેલ્થ પર પડી રહી છે. એથી તેમને ફરી ગાર્ડનમાં લાવવા અને વાંચતા કરવા માટે અમે ઓપન લાઇબ્રેરીનું અનોખું અભિયાન હાથ ધર્યું છે. હાલ વરસાદની સીઝન છે તો કદાચ ગાર્ડનમાં રમી ન શકે, પણ અહીં આવીને તેમને ગમતાં પુસ્તકો વાંચી શકે એ પણ તેમના માટે ફાયદાકારક રહેશે. એથી અમે કેટલાંક એનજીઓ અને કૉર્પોરેટે્સનો સંપર્ક કરીને રજૂઆત કરતાં તેમણે સોશ્યલ રિસ્પૉન્સિબિલિટી હેઠળ એનો ખર્ચ ઉપાડવાની તૈયારી દર્શાવી છે. આ ઓપન લાઇબ્રેરી બનાવવા અમે કોઈ જ વધારાનું સ્ટ્રક્ચર ઊભું નથી કરી રહ્યા. ગાર્ડનમાં ગઝેબો તૈયાર કરેલા હોય છે. એ ઉપરાંત એકાદું સ્ટ્રક્ચર હોય જ છે. એ જ સ્ટ્રક્ચરમાં બેથી ત્રણ કબાટો ગોઠવીને લાઇબ્રેરી શરૂ કરાઈ છે. એ માટે બહુ મોટો ખર્ચ પણ નથી આ‍વતો. અંદાજે ૨૫થી ૩૦ હજાર રૂપિયાનો ખર્ચ આવે છે. એ લાઇબ્રેરીમાં ઘણા લોકો પુસ્તકો ડોનેટ પણ કરે છે. ઇંગ્લિશ, હિન્દી, મરાઠી, ગુજરાતી એમ વિવિધ ભાષાનાં પુસ્તકો, વાર્તાઓ, નૉવેલ, મૅગેઝિન ત્યાં રાખવામાં આવે છે. અમે એનજીઓ અથવા સંસ્થાને જે પુસ્તકો જોઈતાં હોય એની યાદી પણ આપીએ છીએ. હાલ કોલાબાના ‘એ’ વૉર્ડમાં કૂપરેજ ગાર્ડન, માટુંગા સેન્ટ્રલ એફ-નૉર્થના માહેશ્વરી ઉદ્યાન અને બી. એન. વૈદ્ય ઉદ્યાન, અંધેરી ઈસ્ટમાં કે-ઈસ્ટ વૉર્ડના રમેશ મોરે ઉદ્યાન, બોરીવલીના આર-સેન્ટ્રલ વૉર્ડમાં આવેલો હિન્દુ હૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે ડ્રીમ પાર્ક અને મુલુંડમાં ‘ટી’ વૉર્ડના લાલા તુલસીરામ દેવીદયાલ ગાર્ડનમાં આ લાઇબ્રેરી શરૂ કરી દેવાઈ છે અને નાનાં બાળ‍કો સાથે મોટા લોકો પણ એનો લાભ લઈ રહ્યા છે. અમારું લક્ષ્ય છે કે ઑગસ્ટ સુધીમાં મુંબઈના બધા જ વૉર્ડના ગાર્ડનમાં આ રીતની ઓપન લાઇબ્રેરી શરૂ થાય.’        

mumbai mumbai news brihanmumbai municipal corporation bakulesh trivedi