મુંબઈ-વડોદરા હાઇવે પર ૨૫૧ કિલોમીટરની સ્પીડમાં જતી BMWએ બે લોકોનો જીવ લીધો

22 June, 2026 10:21 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડિવાઇડર સાથે કાર અથડાઈને પલટી ખાઈ ગઈ, મૃત્યુ પામેલા લોકોના શરીરનાં અંગો ૫૦૦ મીટર દૂર ફંગોળાયાં

અકસ્માતમાં BMWનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

થાણેમાં રવિવારે વહેલી સવારે ૨૫૧ કિલોમીટરની પૂરપાટ ઝડપે જઈ રહેલી એક BMW કાર રોડ-ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાયા બાદ પલટી ખાઈ ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં બે લોકોનાં મોત થયાં હતા, જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ થઈ હતી. મૃત્યુ પામેલા લોકોના શરીરનાં અંગો ૫૦૦ મીટર દૂર ફંગોળાયાં હોવાનું પોલીસે જણાવ્યું હતું.

આ અકસ્માત ગઈ કાલે વહેલી સવારે ૪ વાગ્યે બદલાપુર નજીક મુંબઈ-વડોદરા હાઇવેના એક સ્ટ્રેચ પર સર્જાયો હતો, જ્યારે આ કાર ટીટવાલાથી પાછી ફરી રહી હતી. અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ યોગેશ દિઘે અને રિકેબા જેકબ તરીકે થઈ છે. તેઓ બદલાપુરના જ રહેવાસી હતા. કારમાં સવાર અન્ય એક વ્યક્તિનું નામ આનંદ હોવાનું જાણવા મળ્યું છે. તેને ગંભીર ઈજાઓ થઈ હોવાથી હાલ થાણેની એક ખાનગી હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

ઓવરસ્પીડિંગને લીધે ડ્રાઇવરે સ્ટીઅરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને કાર રોડ-ડિવાઇડર સાથે ભટકાઈ હતી અને અકસ્માત થયો હતો એવું પોલીસે પ્રાથમિક તપાસ બાદ જણાવ્યું હતું.

mumbai news mumbai thane road accident thane crime