મનસુખ હિરણ વાંગણીમાં શું કરતો હતો?

06 March, 2021 08:05 AM IST  |  Mumbai | Mehul Jethva

મનસુખ હિરણ વાંગણીમાં શું કરતો હતો?

મનસુખ હિરણ

મુકેશ અંબાણીના ઘરની સામે પાર્ક કરવામાં આવેલી સ્કૉર્પિયો કારમાંથી મળી આવેલા વિસ્ફોટકના કેસમાં આ કાર જેમની માલિકીની છે તે થાણેના ૪૮ વર્ષના મનસુખ મિશ્રીલાલજી હિરણનો ગઈ કાલે સવારે કળવા પાસેની ખાડીમાંથી મૃતદેહ મળી આવતાં જબરદસ્ત ચકચાર જાગી છે.

ગઈ કાલે બપોરે આ વાત જાહેર થતાં જોરદાર આરોપ-પ્રત્યારોપ શરૂ થઈ ગયા છે. વિરોધ પક્ષે તો સરકારને ઘેરીને આ કેસની તપાસ એનઆઇએ (નૅશનલ ઇન્વેસ્ટિગેટિંગ એજન્સી)ને સોંપવાની માગણી કરી હતી. જોકે મોડી સાંજે રાજ્ય સરકારે આ કેસની તપાસ એટીએસ (ઍન્ટિ ટેરરિસ્ટ સ્ક્વૉડ)ને સોંપી દીધી હતી. શરૂઆતમાં એવું લાગતું હતું કે મનસુખ હિરણે આત્મહત્યા કરી લીધી હશે, પણ મનસુખ હિરણના ભાઈ વિનોદ હિરણે આ વાતનો સ્પષ્ટ ઇનકાર કરતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારો ભાઈ આત્મહત્યા કરે એ વાત શક્ય જ નથી. મને જેટલી ખબર છે એ મુજબ તેને એવું કોઈ ટેન્શન નહોતું કે અંતિમ પગલું ભરવું પડે. ગુરુવારે સાંજે તેને એક ફોન આવ્યો હતો કે હું કાંદિવલી પોલીસ-સ્ટેશનમાંથી તાવડે બોલું છું. હું ઘોડબંદર રોડ તરફ આવી રહ્યો હોવાથી તમારી ઇન્ક્વાયરી માટે તમે મને ત્યાં જ મળો. તરત જમીને રાતે ૮.૨૮ વાગ્યે મનસુખ ઘરેથી નીકળ્યો હતો. ત્યાર બાદ રાતે સાડાદસ વાગ્યે મારા ભત્રીજાએ મનસુખને ફોન કર્યો તો તેનો ફોન સ્વિચ્ડ-ઑફ આવતો હતો. જોકે રાતે ૧૧ વાગ્યે પણ ફોન બંધ આવતાં તેણે મને ફોન કર્યો હતો. અમે સવાર સુધી રાહ જોવાનું નક્કી કર્યું હતું. ત્યાર બાદ સવારે અમે નૌપાડા પોલીસ-સ્ટેશનમાં મિસિંગની ફરિયાદ નોંધાવવા ગયા હતા, પણ તેમણે ફરિયાદ ન લેતાં અમારે કમિશનર-ઑફિસ જઈને મિસિંગની ફરિયાદ નોંધવાનો આદેશ લાવવો પડ્યો હતો. એ સિવાય ચાર દિવસ પહેલાં મારા ભાઈએ મુંબઈ અને થાણેના પોલીસ-કમિશનરને પોતાના જીવને ખતરો હોવાનો પત્ર લખીને સુરક્ષા પણ માગી હતી. પોલીસને તેના મોબાઇલનું છેલ્લું લોકેશન મુંબઈ-કર્જત રૂટ પર આવેલા વાંગણીનું મળ્યું છે. જોકે તેનો મોબાઇલ હજી સુધી નથી મળ્યો.’

નવાઈની વાત એ છે કે મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચમાં તાવડે નામનો કોઈ અધિકારી ન હોવાનું એક પોલીસ-અધિકારીએ કહ્યું હતું. મનસુખ હિરણનો મૃતદેહ જ્યારે મળ્યો ત્યારે તેના મોઢામાં અડધો ડઝન જેટલા રૂમાલ ખોસવામાં આવ્યા હતા તેમ જ તેના હાથ પણ બાંધેલા હતા. ગઈ કાલે રાતે કળવાની છત્રપતિ શિવાજી મ્યુનિસિપલ હૉસ્પિટલમાં ઇન-કૅમેરા પોસ્ટમૉર્ટમ કરવામાં આવ્યું હતું. એ સમયે મનસુખ હિરણના પરિવારજનોએ પોતાના ડૉક્ટર અને લૉયરની એક ટીમ પણ ત્યાં તહેનાત રાખી હતી.

આ કેસ બાબતે ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ અવિનાશ અંગુરેને પૂછતાં તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે પોસ્ટમૉર્ટમના રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ. એક વાર રિપોર્ટ આવી જશે ત્યાર બાદ આગળની કાર્યવાહી શરૂ કરીશું.’

દેવેન્દ્ર ફડણવીસે કર્યા જોરદાર આરોપ

દરમ્યાન દેવેન્દ્ર ફડણવીસે મુકેશ અંબાણીના ઘરની બહાર પાર્ક કરાયેલી વિસ્ફોટકો ભરેલી ગાડી બાબતે અનેક પ્રશ્ન કર્યા હતા. તેમણે કહ્યું કે ‘મુકેશ અંબાણીના ઘરની બહાર રાતે એક વાગ્યે ગાર્ડી પાર્ક થઈ. ત્રણ વાગ્યે ડ્રાઇવર પાછળ ઊભી રખાયેલી કારમાં ભાગી ગયો. એક જ કાર નહોતી. સ્કૉર્પિયોની પાછળ બીજી એક કાર આવી હતી. બન્ને કાર થાણેથી આવી હતી. જે કાર પાર્ક કરાઈ હતી એની ઓળખ થયા બાદ ઘટનાસ્થળે મુંબઈ પોલીસને બદલે ઇન્સ્પેક્ટર સચિન વઝે પહોંચ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચ કે સ્થાનિક પોલીસ પહેલાં વઝે કઈ રીતે પહોંચ્યા? કારમાંથી પત્ર હાથ લાગ્યા બાદ સચિન વઝેને જ તપાસ સોંપવામાં આવી. ત્યાર બાદ વઝેને બદલે કેસ એસીપી રેન્કના બીજા ઑફિસરને સોંપાયો. ત્રણ જ દિવસમાં અચાનક સચિન વઝે પાસેથી શા માટે કેસ લઈ લેવામાં આવ્યો?’

વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે આગળ કહ્યું કે ‘પહેલાં મને આ સમજાયું નહોતું, પણ આમાં એક યોગાનુયોગ હોવાનું મારા ધ્યાનમાં આવ્યું છે. મારી પાસે ડીસીઆર (ડિટેઇલ ઑફ કૉલ-રેકૉર્ડ્સ) છે, કારમાલિકે કાર ચોરાયાની ફરિયાદ નોંધાવી, એ કાર મુકેશ અંબાણીના ઘરની બહાર પાર્ક કરાઈ. તેણે પોલીસમાં નોંધાવેલા જવાબમાં એક ફોન-નંબર આપ્યો હતો. આ નંબર પરથી ૨૦૨૦ની ૮ જૂને અને ૨૫ જુલાઈ પછી અનેક વખત વાતચીત થઈ હતી. એ નંબર સચિન વઝેનો હતો. એ દિવસે એ કાર થાણેમાં બંધ પડ્યા બાદ કારમાલિક ઓલા બુક કરીને ક્રૉફર્ડ માર્કેટ પહોંચ્યો હતો. ત્યાં પોલીસ-કમિશનરની ઑફિસ છે. ત્યાં તે કોઈકને મળ્યો હતો. એ વ્યક્તિ કોણ? આ મારો સવાલ છે. આ જાણી શકાશે તો સારું થશે. કારમાલિક ઓલામાં ગયો હોવાનો રેકૉર્ડ છે. ઓલા કારના ડ્રાઇવરે તેને જોયો હતો, તે કોને મળ્યો હતો એ પણ તેણે જોયું હતું. આ બધું યોગાનુયોગ કેવી રીતે બન્યું એ સમજાતું નથી. સચિન વઝે થાણેમાં રહે છે અને કાર પણ થાણેમાં રહેનારની છે‍. બન્ને વચ્ચે કેટલાક દિવસ પહેલાં ફોન પર વાતચીત થઈ હતી. તેઓ એકબીજાને ઓળખતા હતા. આ ખૂબ મોટો સવાલ છે.’

અંતમાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ‘સચિન વઝેના હાથમાં આવેલો ધમકીનો પત્ર જૈશ-ઉલ-હિન્દનો હોવાનો દાવો કરાયો છે, જે ખંડણી માગવા માટે લખાયો હતો. જોકે જૈશ-ઉલ-હિન્દ કહે છે કે અમે આવો પત્ર લખ્યો જ નથી આથી આ પ્રકરણમાં ખૂબ મોટી શંકા ઊભી થઈ છે. કારમાલિકનો મૃતદેહ પાછળના ભાગે હાથ બાંધેલી હાલતમાં મળી આવ્યો છે. આવી રીતે કોઈ આત્મહત્યા કરી જ ન શકે. કારમાંથી જિલેટિન સ્ટિક મળી આવી હોવાની સાથે ધમકીભર્યો પત્ર મળ્યો છે એટલે એનઆઇએ દ્વારા આ મામલાની તપાસ થવી જોઈએ.’

મનસુખ હિરણ સારા સ્વીમર હતા

મૂકેશ અંબાણીના ઘરની બહાર મળી આવેલી કારના માલિક મનસુખ હિરણ કલવાની ખાડીમાં ઝંપલાવીને આત્મહત્યા કરી હોવાની શંકા સેવાઈ રહી છે ત્યારે તેમના પરિવારજનો અને નજીકના લોકોનું કહેવું છે કે તેઓ ખૂબ સારા સ્વીમર હતા. પાણીમાં ડૂબીને તેમનું મૃત્યુ થઈ જ ન શકે. મનસુખ હિરણના નજીકના લોકોએ કહ્યું હતું કે ‘તેમના મૃત્યુ પાછળ ચોક્કસ કોઈ કાવતરું છે. તેમની હત્યા કરીને ખાડીમાં ફેંકી દેવાયાની શક્યતા છે. તેમનો અને મારો પુત્ર એક ક્લાસમાં ભણે છે. બાજુ બાજુની સોસાયટીમાં અમે રહેતા હોવાથી અનેક વખત મળતા. મૂકેશ અંબાણીના ઘરની સામે તેમની કાર મળી આવ્યા બાબતે મેં પૂછ્યું હતું ત્યારે તેમના બોલવા પરથી જરાય નહોતું લાગતું કે તેઓ દબાણમાં છે. બીજું, તેઓ ખૂબ સારા સ્વીમર હતા એટલે પાણીમાં ડૂબી જવાથી તેમનું મૃત્યુ થયું અશક્ય છે.’

mumbai mumbai news mukesh ambani mehul jethva