01 July, 2026 07:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આહારા હોટેલમાં તોડ કરવા પહોંચેલા આરોપીઓ.
બોરીવલી-વેસ્ટના મંડપેશ્વર રોડ પર આવેલી આહારા હોટેલમાં ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)ના નકલી અધિકારી બનીને તોડ કરવા પહોંચેલા ૪૨ વર્ષના વિજય જાધવ અને સ્વાતિ તુળસકરની બોરીવલી પોલીસે ધરપકડ કરી છે. શનિવારે સાંજે પોણાઆઠ વાગ્યે આ બન્ને આરોપીઓ પોતાની ફૉર્ચ્યુનર કારમાં ત્યાં આવ્યાં હતાં અને પોતાને FDAનાં અધિકારીઓ ગણાવીને હોટેલના દસ્તાવેજોની ચકાસણી શરૂ કરી દીધી હતી. જોકે એ સમયે સતર્ક હોટેલમાલિક ઓમ ભદ્રાને તેમના પર શંકા આવતાં તેમણે તાત્કાલિક અસોસિએશન ઑફ હોટેલ્સ ઍન્ડ રેસ્ટોરાં (AHAR)ના સભ્યોને જાણ કરી હતી. ત્યાર બાદ ચતુરાઈપૂર્વક AHARના સભ્યોએ છટકું ગોઠવીને આ બન્ને તોડબાજોને પોલીસના હવાલે કર્યાં હતાં. આ સફળ કામગીરી અને ચોંકાવનારી ઘટના બાદ હવે AHARના સભ્યોએ મુંબઈના તમામ હોટેલમાલિકોને આવા નકલી અધિકારીઓ અને તોડબાજોથી સતત સાવચેત રહેવા ખાસ અપીલ કરી છે.
શું હતી ઘટના?
બોરીવલી પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શનિવારે સાંજે ૭.૪૫ વાગ્યે આહારા હોટેલ પર બે લોકો FDAના અધિકારી છે એમ કહીને હોટેલમાં પ્રવેશ્યા હતા. ત્યાર બાદ એક સીટ પર બેસીને બન્નેએ હોટેલમાલિક ઓમ ભદ્રા પાસેથી હોટેલના દસ્તાવેજોની માગણી કરી હતી. એ આપતાંની સાથે બન્નેએ દસ્તાવેજોની ચકાસણી શરૂ કરી દીધી હતી. એમાં હોટેલના નિયમિત કાગળો જોયા બાદ આ બન્નેએ પાણીની તપાસનો રિપોર્ટ, સ્ટાફના જૉઇનિંગ લેટર, હેલ્થ કાર્ડ અને એક્સ્પીરિયન્સ સર્ટિફિકેટ જેવા કાગળોની માગણી કરીને હોટેલમાલિક પર દબાણ બનાવવાનું શરૂ કર્યું હતું. તેમના પર શંકા જતાં ફરિયાદી ઓમે તેમની પાસે ઓળખપત્ર માગ્યું ત્યારે પુરુષ આરોપી વિજય જાધવ અને મહિલા સ્વાતિ તુળસકરે ફૂડ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા (FCI)નાં ID કાર્ડ બતાવ્યાં હતાં. જોકે આ કાર્ડનો ફોટો લેવાની ના પાડતાં હોટેલમાલિકની શંકા દૃઢ બની હતી. તેમણે તરત AHARના સભ્યોનો સંપર્ક કર્યો હતો અને પાછળથી ઘટનાની જાણ અમને કરવામાં આવતાં તેઓ પૈસાની માગણી કરે એ પહેલાં અમારી ટીમે ત્યાં પહોંચીને પુરુષ અને મહિલાની ધરપકડ કરી હતી.’
બન્નેને પકડાવવામાં AHARની મહત્ત્વની ભૂમિકા
મુંબઈ AHARની પોલીસ સમિતિના અધ્યક્ષ ડૉ. સતીશ શેટ્ટીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘FDAન અધિકારીઓ આવ્યા હોવાની માહિતી મળતાં જ મેં તાત્કાલિક હોટેલના CCTV કૅમેરાનાં ફુટેજ મગાવ્યાં હતાં. તે બન્નેના ફોટો અમારા વિસ્તારના અસલી FDA અધિકારીઓને મોકલીને વેરિફિકેશન કરાવતાં જ ખબર પડી ગઈ હતી કે આ બન્ને બોગસ છે અને તોડ કરવા આવ્યા છે. ત્યાર બાદ મેં પોલીસને જાણ કરતાં પોલીસ તરત ઘટનાસ્થળે દોડી આવી હતી અને બન્ને નકલી અધિકારીઓને ઝડપી લીધા હતા. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે તેઓ પોતાની કાર પર ‘ભારત સરકાર’ લખેલું રેડિયમ અને સરકારી હોદ્દાનું બોર્ડ લગાવીને ફરતા હતા જેથી લોકો પર રુઆબ જમાવી શકે. આ ઘટના બાદ અમે મુંબઈની તમામ હોટેલના સંચાલકોને અપીલ કરી છે કે હાલમાં વિવિધ જગ્યાએ FDAની કાર્યવાહી ચાલી રહી હોવાથી આવાં અસામાજિક તત્ત્વો સક્રિય થયાં છે. તેથી કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ પૈસા માગે તો તાત્કાલિક પોલીસને અને અસોસિએશનને જાણ કરવી.’
ફોટો લાઇન