24 October, 2026 07:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)નું હેડક્વૉર્ટર, અનેક સ્કૂલો જેમાં મુંબઈમાં આવેલી અમેરિકન સ્કૂલનો પણ સમાવેશ થતો હતો અને અમિતાભ બચ્ચનના જલસા બંગલાને બૉમ્બબ્લાસ્ટ કરીને ઉડાડી દેવાની અને આત્મઘાતી હુમલો કરીને સિંગર દિલજિત દોસાંઝને ઉડાવી દેવાની ઈ-મેઇલ મળતાં મુંબઈ પોલીસ ગઈ કાલે દોડતી થઈ ગઈ હતી અને સઘન તપાસ કરવામાં આવી હતી. જોકે એ તપાસમાં કશું પણ શંકાસ્પદ મળ્યું નહોતું અને એ ઈ-મેઇલ અફવા જ નીકળી હતી. જોકે કેટલીક સ્કૂલોને સાવચેતીરૂપે છોડી મુકાઈ હતી. અમિતાભ બચ્ચનને ડાયરેક્ટ ઈ-મેઇલ નથી મળી, પણ ઈ-મેઇલમાં તેમના જલસા બંગલાને પણ ઉડાવી દેવાશે એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સિંગર દિલજિત દોસાંઝની કૉન્સર્ટ
૨૭ નવેમ્બરે મહાલક્ષ્મી રેસકોર્સમાં થવાની છે.
મુંબઈનાં મેયર રિતુ તાવડેના ઑફિશ્યલ ઈ-મેઇલ પર સવારે ૧૧.૩૦ વાગ્યે ધમકી આવી હતી. એ ધમકીવાળી ઈ-મેઇલ smithjohnson6889@gmail.com પરથી મોકલવામાં આવી હતી જેમાં કહેવાયું હતું...
- એન્જિ. ગુરનાનક સિંહ
- રુકાન શાહવાલા
- ડૉ. ગુરનિવાઇર સિંહ
- ખાન રાજડા
- બબ્બર ખાલસા (પરમાર –કૅનેડા)
- પ્રો. ગુરાકાલ સિંહ Phd
- ખેમ કરન
- પ્રો. ગુરઅંગાર સિંહ
- જંદીઆલા ગુરુ
મુંબઈ પોલીસના કહેવા મુજબ આ ઈ-મેઇલની જવાબદારી પોતાને ખાલિસ્તાન નૅશનલ આર્મી (KNA) તરીકે ઓળખાવતા ગ્રુપે લીધી છે. પોલીસે દરેક જગ્યાએ ઝીણવટભરી તપાસ કરવા છતાં કશું પણ શંકાસ્પદ મળ્યું નહોતું. ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (ઝોન વન) મનીષ કાલવાણિયાએ કહ્યું હતું કે ‘BMCની ઑફિસને આ ઈ-મેઇલ મળી હતી. એ પછી તપાસ કરવામાં આવી હતી. કશું પણ શંકાસ્પદ મળ્યું નથી. અમને શંકા છે કે આ ઈ-મેઇલ આ જ KNA ગ્રુપ દ્વારા મોકલવામાં આવી હોઈ શકે જેણે ભૂતકાળમાં કેટલાક મહિના પહેલાં આવી ધમકીભરી ઈ-મેઇલ મોકલી હતી.’