મુંબઈના ઍર-પૉલ્યુશન માટે સરકાર ઇથિયોપિયાના જ્વાળામુખી પર દોષનો ટોપલો ન ઢોળી શકે

28 November, 2025 07:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાઈ કોર્ટની બેન્ચને મુંબઈમાં વાયુ પ્રદૂષણના મુદ્દા પર ૨૦૨૩થી થયેલી અનેક અરજીઓની સુનાવણી હાથ ધરવા વિનંતી કરવામાં આવી હતી

તસવીરો : આશિષ રાજે

બૉમ્બે હાઈ કોર્ટે ગઈ કાલે જણાવ્યું હતું કે ઇથિયોપિયામાં જ્વાળામુખી ફાટવાને લીધે નીકળેલાં રાખનાં વાદળોને સરકાર મુંબઈમાં વધતા ઍર-પૉલ્યુશન માટે કારણભૂત ગણાવી શકે નહીં.
હાઈ કોર્ટની બેન્ચને મુંબઈમાં વાયુ પ્રદૂષણના મુદ્દા પર ૨૦૨૩થી થયેલી અનેક અરજીઓની સુનાવણી હાથ ધરવા વિનંતી કરવામાં આવી હતી. પિટિશનર્સ તરફથી હાજર રહેલા વકીલોએ જણાવ્યું હતું કે શહેરમાં AQI સતત ખરાબ રહ્યો છે અને આ મહિને તે ૩૦૦ને વટાવી ગયો હતો. આ સામે સરકારી વકીલે દલીલ કરી હતી કે બે દિવસ પહેલાં ઇથિયોપિયામાં જ્વાળામુખી ફાટ્યો હતો, એને કારણે રાખનાં વાદળો સર્જાયાં હતાં. એ વાદળોને લીધે મુંબઈમાં વાયુ-પ્રદૂષણની સ્થિતિ વધુ ખરાબ થઈ હતી. જોકે આ દલીલને કોર્ટે ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે જ્વાળામુખી ફાટ્યો એ પહેલાં પણ વાયુ-પ્રદૂષણની સ્થિતિ ખરાબ જ હતી. આ કેસમાં કોર્ટમાં આજે વધુ સુનાવણી થશે.

મુંબઈમાં ઍર પૉલ્યુશન માટે BMCએ ૫૩ કન્સ્ટ્રક્શન-સાઇટને કામ બંધ કરવાની નોટિસ આપી

મુંબઈમાં ઍર પૉલ્યુશનની સમસ્યા દિવસે-દિવસે વકરી રહી છે ત્યારે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ ૫૩ બાંધકામ-સાઇટને ‘સ્ટૉપ વર્ક’ની નોટિસ ફટકારી છે. BMCએ ઍર પૉલ્યુશન સંદર્ભે બહાર પાડેલી ગાઇડલાઇન્સનું યોગ્ય પાલન થવું જરૂરી છે અને સાઇટ પર સેન્સર આધારિત ઍર પૉલ્યુશન માપી શકે એવુ મૉનિટરિંગ ડિવાઇસ બેસાડવાનું પણ ફરજિયાત કરવામાં આવ્યું છે. જો એ મૉનિટર બંધ હશે તો પણ કાર્યવાહી કરવામાં આવશે એવી સૂચના BMCએ આપી છે. જે ૫૩ સાઇટ્સને નોટિસ આપવામાં આવી છે એમણે BMCની ગાઇડલાઇન્સનું બરાબર પાલન ન કર્યું હોવાથી અને ઍર પૉલ્યુશનમાં વધારો કર્યો હોવાથી આ પગલું લેવામાં આવ્યું હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

mumbai news mumbai air pollution bombay high court Weather Update mumbai weather brihanmumbai municipal corporation