હાઉસિંગ સોસાયટીમાં અગાઉના ઓનરે પૈસા આપવાના બાકી હોય તો નવા માલિકને મેમ્બરશિપ ન મળે

28 November, 2025 07:12 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફ્લૅટ ખરીદનાર કે કમર્શિયલ જગ્યા ખરીદનાર એ જગ્યાની સોસાયટીની બૅલૅન્સ રકમ ચૂકવ્યા સિવાય સોસાયટીનો મેમ્બર ન બની શકે

બોમ્બે હાઇકોર્ટની ફાઇલ તસવીર

બૉમ્બે હાઈ કોર્ટે હાઉસિંગ સોસાયટીમાં મેમ્બરશિપ બદલ મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. હાઈ કોર્ટના જસ્ટિસ અમિત બોરકરે કહ્યું હતું કે નવા ઘરનો માલિક વેચાતા લીધેલા ફ્લૅટના અગાઉના માલિકે સોસાયટીને ન ચૂકવેલી બૅલૅન્સ રકમ ચૂકવે નહીં ત્યાં સુધી સોસાયટીનો મેમ્બર ન બની શકે, કો-ઑપરેટિવ સોસાયટીની મેમ્બરશિપ એ કંઈ બિનશરતી અધિકાર નથી. સોસાયટીના મેમ્બર બનવા પહેલાંનું બૅલૅન્સ ભરવું જ પડે એવો સ્પષ્ટ નિર્દેશ જસ્ટિસ અમિત બોરકરે આપ્યો હતો. 

ફ્લૅટ ખરીદનાર કે કમર્શિયલ જગ્યા ખરીદનાર એ જગ્યાની સોસાયટીની બૅલૅન્સ રકમ ચૂકવ્યા સિવાય સોસાયટીનો મેમ્બર ન બની શકે. દહિસરની એક સોસાયટીમાં કમર્શિયલ જગ્યા ખરીદનારને સોસાયટીના મેમ્બર તરીકે સ્વીકારવો જ પડશે એવા બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના R-નૉર્થ વૉર્ડના આદેશને બૉમ્બે હાઈ કોર્ટના જસ્ટિસ અમિત બોરકરે રદબાતલ ઠેરવ્યો હતો. 

એ જગ્યા ખરીદનાર અગાઉના માલિકે ૫૮ લાખ રૂપિયાની સોસાયટીની બાકી નીકળતી રકમ ભરી નહોતી. આ પ્રકરણ મૂળ ૨૦૨૧નું હતું. ટી ઍન્ડ એમ સર્વિસિસ કન્સલ્ટિંગ પ્રાઇવેટ લિમિટેડે ઇન્ડિયન ઓવરસીઝ બૅન્કે ગોઠવેલા ઑક્શનમાં દહિસર-ઈસ્ટની એક સોસાયટીમાં કમર્શિયલ જગ્યા ખરીદી હતી. જૂન ૨૦૨૧માં કંપનીએ સોસાયટીમાં તેમને મેમ્બર બનાવવામાં આવે એ માટે અરજી કરી હતી. જોકે સોસાયટીએ તેમને મેમ્બરશિપ આપી નહોતી. એ જગ્યાના આ પહેલાંના માલિકે સોસાયટીને મેઇન્ટેનન્સ ચાર્જિસ અને પ્રૉપર્ટી-ટૅક્સ એમ કુલ મળીને ૫૮ લાખ રૂપિયા ચૂકવ્યા નહોતા. કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીઓ મેઇન્ટેનન્સ ચાર્જિસ સમયસર વસૂલ કરતી હોવાથી જ ટકી શકતી હોય છે એમ કોર્ટે વધુમાં જણાવ્યું હતું.

mumbai news mumbai mumbai high court bombay high court brihanmumbai municipal corporation property tax