24 December, 2025 07:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
નક્કી કરવામાં આવેલા ફીડિંગ-સ્પૉટ સિવાયની જગ્યા પર જો કોઈ વ્યક્તિ રખડતા કૂતરાઓને ખવડાવતી હોય અને તેને રોકવાનો પ્રયાસ કરવામાં આવે તો એને કાયદાની દૃષ્ટિએ ગુનો ગણી શકાય નહીં.
૪૨ વર્ષના પુણેના એક રહેવાસી વિરુદ્ધ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધવામાં આવ્યો હતો કે તેણે એક મહિલા અને તેના ફ્રેન્ડ્સને હાઉસિંગ સોસાયટીના દરવાજા પાસે રખડતા કૂતરાઓને ખવડાવવાથી રોક્યા હતા. હાઈ કોર્ટે આ FIR રદ કર્યો હતો. FIR રદ કરવાની માગણી સાથે આરોપીએ કહ્યું હતું કે સોસાયટીમાં ૪૦થી વધુ રખડતા કૂતરા છે જે રહેવાસીઓ માટે સમસ્યા ઊભી કરી રહ્યા હતા. આ વિસ્તારમાં ડૉગબાઇટ્સના કિસ્સા પણ અવારનવાર બનતા હતા.
હાઈ કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે ફુટપાથ, હાઉસિંગ સોસાયટીના એન્ટ્રી-એક્ઝિટ, સ્કૂલ બસ-સ્ટોપ વગેરે જેવાં સ્થળો પર શ્વાનોને ખવડાવવાથી કોઈને અટકાવવામાં આવે તો એને કાયદાની દૃષ્ટિએ અવરોધ કે પ્રતિબંધ ગણી શકાય નહીં. આ કેસમાં આરોપીએ ફરિયાદીને જાણ કરી હતી કે આ શ્વાનો માટેનું ફીડિંગ-સ્પોટ નથી. તેમને શ્વાનોને ખવડાવતાં રોકવામાં આરોપીનો કોઈ ગુનાહિત હેતુ નહોતો.