30 July, 2026 07:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દિવંગત સુપરસ્ટાર રાજેશ ખન્નાનો મુંબઈસ્થિત આશીર્વાદ બંગલો
બૉમ્બે હાઈ કોર્ટે મીડિયા અને યુટ્યુબ ચૅનલોને બૉલીવુડના દિવંગત સુપરસ્ટાર રાજેશ ખન્નાના મુંબઈસ્થિત આશીર્વાદ બંગલાને ભૂતિયો અને શ્રાપિત કે અશુભ દર્શાવતી માહિતી પ્રસારિત કરવા પર રોક લગાવી દીધી છે. કોર્ટે પ્રાથમિક દૃષ્ટિએ આવા અહેવાલોને બદનક્ષીભર્યા અને ઘરના વર્તમાન માલિકના ગૌરવપૂર્ણ જીવન જીવવાના અધિકારનું ઉલ્લંઘન માન્યું છે.
બાંદરાના કાર્ટર રોડ પર આવેલા આ આઇકૉનિક બંગલાના વર્તમાન માલિક ઉદ્યોગપતિ શશી કિરણ શેટ્ટી દ્વારા દાખલ કરવામાં આવેલા સિવિલ સૂટ પર સુનાવણી કરતી વખતે જસ્ટિસ આરિફ ડૉક્ટરે ૨૪ જુલાઈએ આ વચગાળાનો ચુકાદો આપ્યો હતો.
આ અરજીમાં વિવિધ મીડિયા આઉટલેટ્સ અને ડિજિટલ પ્લૅટફોર્મ્સ સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો, જેમાં દાવાઓ કરવામાં આવ્યા હતા કે આ બંગલો ભારતનાં સૌથી ભૂતિયાં સ્થળોમાંથી એક છે અને એ રાજેશ ખન્નાના પતનનું કારણ બન્યો હતો.
અરજીની સુનાવણી દરમ્યાન જસ્ટિસ આરિફ ડૉક્ટરે નોંધ્યું હતું કે ‘મારું પ્રાથમિક દૃષ્ટિએ માનવું છે કે શશી કિરણ શેટ્ટી દ્વારા માગવામાં આવેલી રાહત પૂરેપૂરી યોગ્ય છે. આ પ્રકારની માહિતી સ્પષ્ટપણે એવી બદનક્ષી તરફ દોરી જાય છે.’
આ કેસની આગામી સુનાવણી ૨૧ ઑગસ્ટે હાથ ધરવામાં આવશે.