25 December, 2025 10:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનિલ અંબાણી
બૉમ્બે હાઈ કોર્ટે ગઈ કાલે ઉદ્યોગપતિ અનિલ અંબાણી અને તેમની કંપની રિલાયન્સ કમ્યુનિકેશન્સ લિમિટેડ સામે ૩ બૅન્કો દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહી પર હમણાં અને ભવિષ્ય માટે સ્ટે મૂક્યો છે. કોર્ટે જણાવ્યું હતું કે આ પ્રોસેસમાં રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)ની માસ્ટર ડાયરેક્શન્સની જોગવાઈઓ અનુસરવામાં નથી આવી. આ કાર્યવાહી એક્સ્ટરનલ ઑડિટર દ્વારા તૈયાર કરવામાં આવેલા ફૉરેન્સિક ઑડિટ રિપોર્ટ પર આધારિત હતી. જોકે આ રિપોર્ટ પર ચાર્ટર્ડ અકાઉન્ટન્ટની સાઇન નથી જે છેતરપિંડીના કિસ્સાઓની તપાસમાં RBIના માસ્ટર ડાયરેક્શન્સ પ્રમાણે જરૂરી છે.
અનિલ અંબાણી અને તેમની કંપનીનાં અકાઉન્ટ્સને ફ્રૉડ જાહેર કરવા માટે ઇન્ડિયન ઓવરસીઝ બૅન્ક, IDBI અને બૅન્ક ઑફ બરોડા દ્વારા નોટિસ મોકલવામાં આવી હતી, એને તેમણે હાઈ કોર્ટમાં પડકારી હતી.
૨૦૧૩થી ૨૦૧૭ના ઑડિટ્સની માગણી છેક ૨૦૧૯માં કરી હોવાનું કહીને હાઈ કોર્ટે બૅન્કોને મોડી કાર્યવાહી માટે ઠપકો પણ આપ્યો હતો અને નિર્દેશ આપ્યો હતો કે અનિલ અંબાણી અને તેમની કંપનીનાં અકાઉન્ટ્સને જો ફ્રૉડ જાહેર કરવાની મંજૂરી બૅન્કોને આપવામાં આવે તો એનાં ગંભીર પરિણામો આવી શકે છે.