✕

સેલિબ્રિટીઝ પૈસા લીધા વગર પર્યાવરણ પ્રત્યે અવેરનેસ ફેલાવવા આગળ આવે

27 October, 2026 07:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈગરાઓને સ્વચ્છ અને શુદ્ધ હવા મળવી જ જોઈએ એમ કહીને બૉમ્બે હાઈ કોર્ટે કહ્યું...સેલિબ્રિટીઝ પૈસા લીધા વગર પર્યાવરણ પ્રત્યે અવેરનેસ ફેલાવવા આગળ આવે

મુંબઈના દરિયા પર ગઈ કાલે જોવા મળેલું પ્રદૂષણ. તસવીર: શાદાબ ખાન

મુંબઈગરાઓને શ્વાસ લેવા માટે શુદ્ધ અને તાજી હવા મળવી જ જોઈએ એ બાબત પર ભાર મૂકતાં બૉમ્બે હાઈ કોર્ટે સોમવારે સેલિબ્રિટીઝને પર્યાવરણ પ્રત્યે પોતાની સામાજિક જવાબદારી સમજીને સ્વેચ્છાએ જાગૃતિ ફેલાવવા આગળ આવવાની અપીલ કરી છે.

જસ્ટિસ ગિરીશ કુલકર્ણી અને જસ્ટિસ નીલા ગોખલેની બેન્ચે નોંધ્યું હતું કે વાયુ અને અવાજ-પ્રદૂષણ નિયંત્રિત કરવા વિશે હાઈ કોર્ટે અગાઉ આપેલા આદેશોનું પાલન કરવામાં સરકારી તંત્રએ શરૂઆતમાં ખૂબ ઢીલ કરી હતી, પરંતુ દિવાળી નજીક આવતાં હવે કેટલાંક અસરકારક પગલાં લેવાતાં જણાય છે. બેન્ચે ટકોર કરતાં જણાવ્યું હતું કે ‘આદેશોના પાલન માટે સરકારી મશીનરીનાં પૈડાં અત્યંત ધીમી ગતિએ ફર્યાં છે. મુંબઈગરાઓને શ્વાસ લેવા માટે તાજી અને સારી ગુણવત્તાવાળી હવા મળવી જ જોઈએ.’

શહેરમાં કથળતી જતી હવાની ગુણવત્તા અને તહેવારો દરમ્યાન થતા અવાજના પ્રદૂષણ વિશે ચિંતા વ્યક્ત કરતી વિવિધ અરજીઓની સુનાવણી હાઈ કોર્ટ કરી રહી હતી. શહેરમાં વધતા ઝેરી પ્રદૂષણ અને ધુમ્મસ વિશે ઊંડી ચિંતા વ્યક્ત કરતાં કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે એ તહેવારોની ઉજવણીની વિરુદ્ધ નથી, પરંતુ નાગરિકો તહેવારોની ઉજવણી જવાબદારીપૂર્વક કરે તે જરૂરી છે. બેન્ચે વધુમાં કહ્યું હતું કે ‘તહેવારોની ઉજવણી સામે અમારો બિલકુલ વિરોધ નથી. અમે માત્ર એટલું ઇચ્છીએ છીએ કે લોકોમાં પર્યાવરણ પ્રત્યે જવાબદારીની ભાવના હોવી જોઈએ.’
આ કેસની વધુ સુનાવણી પચીસ નવેમ્બર પર મુલતવી રાખવામાં આવી છે.

અગાઉની સુનાવણી દરમ્યાન હાઈ કોર્ટે જાહેર જનતામાં જાગૃતિ લાવવા માટે સેલિબ્રિટીઝ અને સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સની મદદ લેવા તંત્રને વિચારણા કરવા જણાવ્યું હતું. સોમવારે ઍડિશનલ ગવર્નમેન્ટ પ્લીડર જ્યોતિ ચવાણે બેન્ચને જણાવ્યું હતું કે સેલિબ્રિટીઝ દ્વારા જાગૃતિ ફેલાવવા માટે મોટો ખર્ચ થતો હોય છે અને આ રકમ સરકારી તિજોરીમાંથી ચૂકવવી મુશ્કેલ છે. આ સાંભળીને બેન્ચે ખેદ વ્યક્ત કર્યો હતો અને નોંધ્યું હતું કે સેલિબ્રિટીઝ પોતાના શહેર પ્રત્યે આત્મીયતા દાખવીને કોઈ પણ ફી વગર સ્વેચ્છાએ જાગૃતિ-અભિયાનમાં આગળ આવે એવી અપેક્ષા હતી.

mumbai news mumbai bombay high court air pollution