જીવનસાથી વારંવાર આત્મહત્યાની ધમકી આપે એ તો ક્રૂરતા જ

20 November, 2025 07:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બૉમ્બે હાઈ કોર્ટે આ ટિપ્પણી કરીને પતિની છૂટાછેડાની અરજી મંજૂર રાખી

બોમ્બે હાઇકોર્ટની ફાઇલ તસવીર

પતિ કે પત્ની દ્વારા વારંવાર આત્મહત્યા કરવાની ધમકી આપવી એ ક્રૂરતા સમાન હોવાનું જણાવીને બૉમ્બે હાઈ કોર્ટે પતિની છૂટાછેડાની અરજી મંજૂર રાખી હતી. ચીફ જસ્ટિસ શ્રી ચંદ્રશેખર અને જસ્ટિસ ગૌતમ અણખડની બેન્ચે જણાવ્યું હતું કે જ્યારે આવું વર્તન વારંવાર થાય છે ત્યારે બીજા જીવનસાથી માટે વૈવાહિક સંબંધ ચાલુ રાખવો અશક્ય બની જાય છે.

અરજદારે ૨૦૦૬માં લગ્ન કર્યાં હતાં, પરંતુ ૨૦૧૨થી વૈવાહિક મતભેદને કારણે પતિ-પત્ની અલગ રહેતાં હતાં. પતિએ દાવો કર્યો હતો કે પત્ની દ્વારા કરવામાં આવતી શંકા તેમ જ આત્મહત્યાની ધમકી અને પ્રયાસથી કંટાળીને તેણે છૂટાછેડા માગ્યા હતા. ૨૦૧૯માં ફૅમિલી કોર્ટે આ કારણોસર છૂટાછેડા માટેની અરજી ફગાવી દીધી હતી. એ આદેશને પડકારતી અરજી બૉમ્બે હાઈ કોર્ટમાં કરવામાં આવી હતી.

હાઈ કોર્ટે નોંધ્યું હતું કે શબ્દો, સંકેતો અથવા હાવભાવ દ્વારા વારંવાર આત્મહત્યા કરવાની ધમકી આપવી ક્રૂરતા જ ગણાય. છૂટાછેડાની અરજી મંજૂર રાખતાં કોર્ટે તેને સેટલમેન્ટ પેટે પચીસ લાખ રૂપિયા ચૂકવવાનો અને બે ફ્લૅટની માલિકી પત્નીને ટ્રાન્સફર કરવાનો નિર્દેશ આપ્યો હતો.

mumbai news mumbai bombay high court mumbai high court Crime News