07 November, 2025 07:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બોમ્બે હાઇકોર્ટની ફાઇલ તસવીર
ગુરુવારે બૉમ્બે હાઈ કોર્ટે જણાવ્યું હતું કે જો દરેક વ્યક્તિ ૧૮ વર્ષની ઉંમરની થાય કે તરત મતદારયાદીમાં નામ નોંધાવવા માટે અરજી કરવાનું શરૂ કરે તો અધિકારીઓ તેમના વેરિફિકેશનના કામમાંથી ઊંચા જ નહીં આવે. આ વર્ષે એપ્રિલ મહિનામાં ૧૮ વર્ષની થયેલી રૂપિકા સિંહે હાઈ કોર્ટમાં કરેલી અરજીમાં જણાવ્યું હતું કે રાજ્યમાં મતદાર નોંધણી માટે કટ-ઑફ તારીખ ૨૦૨૪ની પહેલી ઑક્ટોબર સુધીની હોવાથી તેની અરજી સ્વીકારવામાં આવી નથી એટલે તેના મતદાનના અધિકારનો ભંગ થઈ રહ્યો છે. ત્યારે સુપ્રીમ કોર્ટના ચુકાદાનો ઉલ્લેખ કરતાં ન્યાયાધીશ રિયાઝ ચાગલા અને ફરહાન દુબાષની ખંડપીઠે કહ્યું હતું કે ‘મતદાન કરવાની સ્વતંત્રતા અને મતદાનના અધિકાર વચ્ચે તફાવત છે. તમે ૧૮ વર્ષના થાઓ ત્યારે તમને મતદાન કરવાની સ્વતંત્રતા મળે છે, પરંતુ અધિકાર ત્યારે જ મળે છે જ્યારે ઑથોરિટી દ્વારા મતદારયાદીમાં સુધારો કરીને નામ ઉમેરવામાં આવે.’
જો વ્યક્તિ ૧૮ વર્ષની થાય અને તરત જ મતદારયાદીમાં નામ સામેલ કરવા ઇચ્છે તો મતદારયાદીમાં વારંવાર ફેરફાર કરવા પડે, તેથી જ્યારે મતદારયાદીમાં સુધારા કરવાની જાહેરાત કરવામાં આવે ત્યારે જ નામ ઉમેરવું યોગ્ય છે એમ અદાલતે નોંધ્યું હતું.