બૉમ્બે હાઈ કોર્ટે મુંબઈ પોલીસ પાસે માગી સ્પષ્ટતા

22 October, 2021 12:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફોનટૅપિંગ કેસમાં રશ્મિ શુક્લાનું નામ આરોપી તરીકે દાખલ કરવાનું છે કે નહીં એ સ્પષ્ટ કરો

ફાઈલ તસવીર

બૉમ્બે હાઈ કોર્ટે ગુરુવારે શહેર પોલીસને એ સ્પષ્ટતા કરવા જણાવ્યું હતું કે શું તેઓ મહારાષ્ટ્રમાં પોલીસની બદલીઓ તથા નિમણૂકો અંગેના ગુપ્ત દસ્તાવેજો લીક થવાના અને ગેરકાયદે ફોનટૅપિંગના કેસમાં સિનિયર આઇપીએસ અધિકારી રશ્મિ શુક્લાનું નામ આરોપી તરીકે ઉમેરવા ઇચ્છે છે કે કેમ.

જસ્ટિસ નીતિન જાદાર અને જસ્ટિસ સારંગ કોટવાલની ડિવિઝન બેન્ચે પોલીસને તપાસમાં થયેલી પ્રગતિ અંગે ૨૫ ઑક્ટોબર સુધીમાં કોર્ટને જાણકારી આપવાનો પણ હુકમ કર્યો હતો.

હાઈ કોર્ટે એફઆઇઆર રદ કરવાનો અને કેસની તપાસ સીબીઆઇને સોંપવાની માગણી કરતી રશ્મિ શુક્લા દ્વારા દાખલ કરવામાં આવેલી યાચિકાની સુનાવણી હાથ ધરી હતી.

રશ્મિ શુક્લાના વકીલ મહેશ જેઠમલાણીએ પોલીસે રજૂ કરેલી ઍફિડેવિટ અંગે કોર્ટનું ધ્યાન દોર્યું હતું, જેમાં પોલીસે જણાવ્યું છે કે રશ્મિ શુક્લાનું નામ એફઆઇઆરમાં આરોપી તરીકે નથી.

સિનિયર કાઉન્સેલ ડેરિયસ ખંભાતાએ હાઈ કોર્ટને જણાવ્યું હતું કે ‘પિટિશનરનું નામ હજી સુધી આરોપી તરીકે દાખલ કરાયું નથી, પણ સંવેદનશીલ સરકારી દસ્તાવેજો લીક કરવા બદલ કોણ જવાબદાર છે એની પુષ્ટિ કરવા માટે તપાસ ચાલી રહી છે.

ત્યાર બાદ બેન્ચે જણાવ્યું હતું કે જો રશ્મિ શુક્લાને આરોપી ન ગણાવાયાં હોય અને જો પોલીસ તેમનું નામ દાખલ કરવાનો ઇરાદો ન ધરાવતી હોય તો અદાલતે પિટિશનની સુનાવણીમાં સમય વેડફવો ન જોઈએ.

mumbai mumbai news mumbai police