29 July, 2026 07:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નરેન્દ્ર મોદી
ભક્તો આ વર્ષે ગણેશોત્સવ દરમ્યાન માટી અથવા ઇકો-ફ્રેન્ડ્લી વસ્તુઓથી બનેલી ગણેશમૂર્તિઓ લાવે એવી અપીલ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી એનો હવાલો આપીને બૉમ્બે હાઈ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને આ વિશે એનો શું અભિપ્રાય છે એ સ્પષ્ટ કરવાનો નિર્દેશ કર્યો હતો. પ્લાસ્ટર ઑફ પૅરિસ (PoP)ની ગણેશમૂર્તિઓ વિરુદ્ધ કરાયેલી જુદી-જુદી અરજીઓ વિશે સુનાવણી હાથ ધરતી વખતે બુધવાર સુધી આ વિશે મહારાષ્ટ્ર સરકારનું વલણ સ્પષ્ટ કરવાની સૂચના આપી હતી.
ઉલ્લેખનીય છે કે સેન્ટ્રલ પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (CPCB) દ્વારા ૨૦૨૦થી PoPની મૂ્ર્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ બાબતે કરવામાં આવેલી અરજીઓની સુનાવણી હાથ ધરતાં હાઈ કોર્ટે જણાવ્યું હતું કે રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ દરમ્યાન પર્યાવરણની જાળવણી માટે, પ્રદૂષણ ન ફેલાય એટલા માટે ભક્તોને ઇકો-ફ્રેન્ડ્લી મૂર્તિઓનો ઉપયોગ કરવાની અપીલ કરી હતી. આ વિશે મહારાષ્ટ્ર સરકારનું શું માનવું છે એ જાણવા માટે સરકારને બુધવાર સુધીનો સમય આપવામાં આવ્યો છે.