14 December, 2025 06:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બોમ્બે હાઇકોર્ટની ફાઇલ તસવીર
બૉમ્બે હાઈ કોર્ટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ને વર્સોવા-ભાઈંદર ડેવલપમેન્ટ પ્લાન (DP) રોડ પ્રોજેક્ટ માટે લગભગ ૪૫,૦૦૦ મૅન્ગ્રોવ્ઝ કાપવાની પરવાનગી આપી છે, પણ આ પરવાનગીની સાથે પર્યાવરણને થતા નુકસાનની ભરપાઈ કરવા માટે કૉમ્પેન્સેન્ટરી પ્લાન્ટેશન્સ બરાબર થાય એ માટેનું મૉનિટરિંગ મેકૅનિઝમ અમલમાં મૂક્યું છે.
હાઈ કોર્ટની બેન્ચે શુક્રવારે BMCની અરજીની સુનાવણી દરમ્યાન મૅન્ગ્રોવ્ઝ કાપવાની પરવાનગી આપી હતી, પણ અરજીને ૧૦ વર્ષ માટે પેન્ડિંગ રાખવાનો નિર્ણય કર્યો હતો. આ ૧૦ વર્ષ દરમ્યાન BMCએ મૅન્ગ્રોવ્ઝ પ્લાન્ટેશનની સ્થિતિની વિગતો સાથેના વાર્ષિક રિપોર્ટ્સ સબમિટ કરવાના રહેશે, જેની શરૂઆત ૨૦૨૭થી થશે. BMCની અરજીમાં કહેવામાં આવ્યું છે કે પ્રોજેક્ટ માટે ૬૦,૦૦૦ મૅન્ગ્રોવ્ઝમાંથી લગભગ ૪૫,૬૭૫ કાપવાની જરૂર પડી શકે છે. નિયમ પ્રમાણે કાપવામાં આવેલાં વૃક્ષોની સંખ્યાનાં ત્રણગણા વૃક્ષો વાવવામાં આવશે.
૨૦ મિનિટમાં વર્સોવાથી મીરા-ભાઈંદર
૨૬.૩ કિલોમીટર લાંબા વર્સોવા-ભાઈંદર DP રોડનો હેતુ મુંબઈ અને મીરા-ભાઈંદર વચ્ચે ડાયરેક્ટ કનેક્ટિવિટી પૂરી પાડવાનો છે. વર્સોવાથી શરૂ થઈને આ રસ્તો વેસ્ટર્ન સબર્બ્સમાંથી પસાર થશે અને ત્યાંથી દહિસર અને મીરા-ભાઈંદર સુધી વિસ્તરશે. BMCએ કોર્ટને આપેલી માહિતી પ્રમાણે આ પ્રોજેક્ટ વર્સોવા અને મીરા-ભાઈંદર વચ્ચેનો ટ્રાવેલ-ટાઇમ બે કલાકથી ઘટાડીને ૨૦ મિનિટથી પણ ઓછો કરી દેશે. ટ્રાવેલ-ડિસ્ટન્સ પણ લગભગ ૧૦ કિલોમીટર જેટલું ઘટી જશે.