અતિ જર્જરિત બિલ્ડિંગમાં ૪ લાખ લોકોનો વસવાટ એક ચમત્કાર

08 May, 2026 10:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જોખમી બિલ્ડિંગોના નિરીક્ષણ માટેની હાઈ કોર્ટની સમિતિની ટકોર

પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં વર્ષોજૂનાં અને જોખમી બિલ્ડિંગોમાં રહેતા લાખો લોકોના જીવ અધ્ધર હોવા વિશે બૉમ્બે હાઈ કોર્ટ દ્વારા નિયુક્ત સમિતિએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. સમિતિએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું હતું કે મુંબઈની ૧૨,૫૬૨ જેટલી જર્જરિત ઇમારતોમાં અંદાજે ૪ લાખ લોકો હજી પણ વસવાટ કરી રહ્યા છે જે મિરૅકલ સમાન છે.

સમિતિના રિપોર્ટમાં તારણ કાઢવામાં આવ્યું હતું કે કાયદાકીય વિવાદો, અટકી પડેલા રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ અને ટ્રાન્ઝિટ કૅમ્પની તીવ્ર અછતને કારણે રહેવાસીઓ જોખમી હાલતમાં રહેવા મજબૂર બને છે.

સમિતિની મુલાકાત દરમ્યાન એક બિલ્ડિંગની સીડી પરથી ૫૦ કિલોનો સિમેન્ટનો સ્લૅબ પડ્યો હતો. ગણતરીની મિનિટો પહેલાં ત્યાંથી પસાર થયેલા સમિતિના સભ્યોનો આબાદ બચાવ થયો હતો. આ બનાવનો ઉલ્લેખ કરીને સમિતિએ પરિસ્થિતિની ગંભીરતા દર્શાવી હતી.

મહારાષ્ટ્ર હાઉસિંગ એરિયા ડેવલપમેન્ટ ઑથોરિટી (MHADA) પાસે અંદાજે ૨૦,૪૦૦ ટ્રાન્ઝિટ ટેનામેન્ટ્સ છે, પરંતુ એમાંથી માત્ર ૫૦૦ જેટલાં રીડેવલપમેન્ટ માટે ઉપલબ્ધ છે. મકાનની આ ભયંકર તંગી અને જર્જરિત માળખાં ગમે ત્યારે મોટી હોનારત સર્જી શકે એવી આશંકા સમિતિએ વ્યક્ત કરી છે. હાઈ કોર્ટની આ સમિતિના રિપોર્ટના આધારે રીડેવલપમેન્ટ માટેના બિલ્ડિંગના કેસમાં મદદ મળશે.

mumbai news mumbai bombay high court mumbai suburbs MHADA