ઍન્ટિલિયા બૉમ્બ થ્રેટ કેસ અને મનસુખ ​હિરણ કેસમાં પ્રદીપ શર્માના જામીન નકારાયા

24 January, 2023 09:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ પોલીસના એક વખતના જાંબાઝ ઑફિસર અને એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટ પ્રદીપ શર્માની જામીનઅરજી ગઈ કાલે બૉમ્બે હાઈ કોર્ટની જસ્ટિસ રેવતી મોહિતે ડેરે અને જસ્ટિસ આર. એન. લધાએ ફગાવી દીધી હતી.

બોમ્બે હાઈકોર્ટ

મુંબઈ : દેશના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના અલ્ટા માઉન્ટ રોડ પર આવેલા નિવાસસ્થાન ઍન્ટિલિયા પાસે એક્સપ્લોઝિવ ભરેલી જીપ પાર્ક કરીને તેમને ધમકી આપવાના કેસ અને એને જ સંલગ્ન એવા મનસુખ હિરણ કેસમાં પકડાયેલા મુંબઈ પોલીસના એક વખતના જાંબાઝ ઑફિસર અને એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટ પ્રદીપ શર્માની જામીનઅરજી ગઈ કાલે બૉમ્બે હાઈ કોર્ટની જસ્ટિસ રેવતી મોહિતે ડેરે અને જસ્ટિસ આર. એન. લધાએ ફગાવી દીધી હતી.
 પ્રદીપ શર્માએ આ પહેલાં સ્પેશ્યલ એનઆ​ઇએ (નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી) કોર્ટમાં જામીનઅરજી કરી હતી જે સ્પેશ્યલ કોર્ટે ફેબ્રુઆરી ૨૦૨૨માં ફગાવી દેતાં પ્રદીપ શર્માએ સ્પેશ્યલ કોર્ટના

એ ચુકાદાને બૉમ્બે હાઈ કોર્ટમાં પડકાર્યો હતો. જોકે હવે બૉમ્બે હાઈ કોર્ટે સ્પેશ્યલ કોર્ટના એ ચુકાદાને યોગ્ય ગણાવ્યો હતો અને પ્રદીપ શર્માની અરજી ફગાવી દીધી હતી.    
એનઆઇએ દ્વારા પ્રદીપ શર્મા પર એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે પ્રદીપ શર્માએ તેના સાથીદાર સચિન વઝેને મનસુખ હિરણની હત્યા કરવામાં મદદ કરી હતી. મુકેશ અંબાણીના અલ્ટા માઉન્ટ રોડ પર આવેલા નિવાસસ્થાન ઍન્ટિલિયા પાસે ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૧ના દિવસે એક્સપ્લોઝિવ ભરેલી જીપ પાર્ક કરેલી મળી આવી હતી, જે મનસુખ હિરણની હતી. જોકે એ પછી મનસુખ હિરણનો મૃતદેહ પાંચ માર્ચે થાણે ખાડીમાંથી મળી આવ્યો હતો. એ કેસમાં પ્રદીપ શર્માની સંડોવણી જણાઈ આવતાં તેની ધરપકડ કરાઈ હતી. 

આ પણ વાંચો: અંધારું છવાતાં ચર્ચગેટ પાસેના રસ્તા બને છે શરાબીઓના અડ્ડા

સામે પક્ષે પ્રદીપ શર્માએ એવો દાવો કર્યો છે કે આ બાબતે તેની સામે કોઈ પુરાવા નથી; જ્યારે એનઆઇએનું કહેવું છે કે મનસુખ હિરણની હત્યાનું ષડયંત્ર પ્રદીપ શર્માએ જ ઘડ્યું હતું, કારણ કે આરોપીઓને એમ લાગતું હતું કે ઍન્ટિલિયા કેસમાં જો કોઈ નબળી કડી હોય તો એ મનસુખ હિરણ હતો અને એટલે તેની હત્યા કરાઈ હતી.

mumbai news mumbai bombay high court mukesh ambani