બૉમ્બે હાઈ કોર્ટનો BMC અને પોલીસને નિર્દેશ

24 March, 2026 07:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગેરકાયદે ઘૂસણખોરો અને ફેરિયાઓની વ્યાપક ચકાસણી કરો

પ્રતીકાત્મક તસવીર

બૉમ્બે હાઈ કોર્ટના જસ્ટિસ અજય ગડકરી અને જસ્ટિસ કમલ ખાટાની બેન્ચે ગેરકાયદે ફેરિયાઓના જોખમ વિશેની સુઓમોટો અરજીની સુનાવણી કરતી વખતે BMC અને પોલીસને ગેરકાયદે ઘૂસણખોરો સહિત શહેરના તમામ ફેરિયાઓની વ્યાપક ચકાસણી કરવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે આ મામલે સહાય કરવા માટે ઍડ્વોકેટ જમશેદ મિસ્ત્રીને એમિકસ ક્યુરી એટલે કે કોર્ટના મિત્ર તરીકે નિયુક્ત કર્યા હતા. આ બાબતે અન્ય ઘણી અરજીઓ પણ દાખલ કરવામાં આવી હતી.

બૅન્ચે જણાવ્યું હતું કે BMC અને પોલીસ તાત્કાલિક એ તમામ વ્યક્તિઓની ઓળખની સંપૂર્ણ ચકાસણી કરશે જેઓ સ્ટૉલ ચલાવે છે અથવા વેન્ડિંગ અથવા ફેરિયાઓની પ્રવૃત્તિ કરે છે. આમાં બંગ્લાદેશી અથવા અન્ય બિન-ભારતીય નાગરિકો બધાનો જ સમાવેશ થાય છે. આ નિર્દેશમાં આવા ફેરિયાઓ સાથે કામ કરતા તેમના અસિસ્ટન્ટ્સને પણ આવરી લેવામાં આવ્યા છે.
કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે જો કોઈ વ્યક્તિ ઘૂસણખોર હોવાનું જણાય છે તો સક્ષમ અધિકારીઓ દ્વારા તેને ડિપૉર્ટ કરવા માટેનાં પગલાં સહિત કાયદા અનુસાર યોગ્ય પગલાં લેવામાં આવશે. જવાબદારી પર ભાર મૂકતાં બેન્ચે ચેતવણી આપી હતી કે નિર્દેશોનું પાલન કરવામાં કોઈ પણ નિષ્ફળતા માટે સંબંધિત અધિકારીઓ વ્યક્તિગત રીતે જવાબદાર રહેશે.

બધા જ ફેરિયાઓની ચકાસણી કરો

BMCને શહેરભરમાં તમામ કાયમી અને કામચલાઉ સ્ટૉલ (પછી ભલે એ સ્થિર હોય, મોબાઇલ હોય કે વાહન આધારિત હોય)નું વિગતવાર નિરીક્ષણ કરવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે, પછી ભલે એ રાહદારીઓ કે વાહનોની અવરજવરમાં અવરોધ ઊભો કરે કે ન કરે.

ગાઇડલાઇન્સનું કડક પાલન થાય

કોર્ટે આદેશ આપતાં ભારપૂર્વક જણાવ્યું હતું કે ફક્ત ગાઇડલાઇન્સનું પાલન કરતા અધિકૃત વિક્રેતાઓને જ કામ કરવાની મંજૂરી આપવામાં આવશે. કોર્ટે ૯૯,૪૩૫ ફેરિયાઓને હાલની ગાઇડલાઇન્સનું કડક પાલન કરી તેમનો વ્યવસાય ચાલુ રાખવાની મંજૂરી આપી છે. બાકીના ૨૯,૦૦૮ અરજદારોની ચાર મહિનાની અંદર ચકાસણી કરવાની રહેશે અને જો યોગ્ય જણાશે તો તેમને ફક્ત ચોક્કસ વિસ્તારમાં જ કામ કરવાની મંજૂરી આપી શકાશે. અન્ય કોઈ ફેરિયાઓને તેમની પ્રવૃત્તિઓ ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવશે નહીં. બાકીના બધાને તાત્કાલિક દૂર કરવામાં આવશે.

mumbai news mumbai brihanmumbai municipal corporation bombay high court mumbai crime news Crime News