પપ્પાની હત્યા કરનારી મમ્મી વિરુદ્ધ સાક્ષી બનનાર બાળકીની કસ્ટડી મમ્મીને જ સોંપાઈ

12 June, 2026 09:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બાળકી પર સંબંધીએ અત્યાચાર કર્યો એટલે બૉમ્બે હાઈ કોર્ટે જામીનની શરતોમાં ફેરફાર કરીને તેના હિતમાં નિર્ણય લીધો

બૉમ્બે હાઈ કોર્ટ

બૉમ્બે હાઈ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં ૧૨ વર્ષની બાળકીની કસ્ટડી તેની મમ્મીને સોંપવાનો આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે આ બાળકી તેના પપ્પાની હત્યાના કેસમાં મુખ્ય સાક્ષી છે અને તેની મમ્મી પર જ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરવાનો આરોપ છે. અદાલતે મહિલાને કોઈ પણ સાક્ષીને મળવાની મંજૂરી આપી નહોતી. એમ છતાં અદાલતે જામીનની શરતોમાં ફેરફાર કરીને કેસની મુખ્ય સાક્ષી બાળકીના હિત અને માનસિક સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તેની કસ્ટડી મમ્મીને આપવાનો નિર્ણય લીધો છે.

ગયા વર્ષે આરોપી મમ્મીની ધરપકડ બાદ બાળકી તેના સંબંધીઓ પાસે રહેતી હતી, જ્યાં તેના સગા કાકા દ્વારા જ તેનું જાતીય શોષણ કરવામાં આવ્યું હોવાનું જણાયું હતું. આ મામલે ગુનો પણ નોંધવામાં આવ્યો છે. જામીન પર બહાર આવેલી મમ્મીએ દીકરીની કસ્ટડી મેળવવા માટે હાઈ કોર્ટમાં અપીલ કરી હતી.

એના જવાબમાં બાળકીએ આવી આઘાતજનક સ્થિતિમાં માનસિક ટેકા માટે તેની મમ્મી સાથે રહેવું યોગ્ય છે એમ જણાવીને અદાલતે કસ્ટડી સોંપવાનો આદેશ આપ્યો છે.

mumbai news mumbai bombay high court murder case