23 April, 2026 07:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
બૉમ્બે હાઈ કોર્ટે બુધવારે ૫૦ વર્ષથી વધુ ઉંમરની બે મહિલાઓને મોટી રાહત આપી છે. તેમને અસિસ્ટડ રીપ્રોડક્ટિવ ટેક્નિક (ART) પ્રક્રિયા દ્વારા ગર્ભધારણ કરવા માટે જરૂરી તમામ ફિટનેસ-ટેસ્ટ કરાવી લેવાની મંજૂરી આપી છે. ૫૩ અને પંચાવન વર્ષની ઉંમરની બે પરિણીત મહિલાઓએ કોર્ટમાં અરજી કરી હતી. અત્યારના કાયદા મુજબ મહિલાઓ માટે ગર્ભધારણ કરવા માટેની ઉપલી વયમર્યાદા ૫૦ વર્ષ છે, જ્યારે પુરુષો માટે આ મર્યાદા પંચાવન વર્ષ નક્કી કરવામાં આવી છે.
અરજદાર મહિલાઓએ આ વયમર્યાદાને પડકારતાં દલીલ કરી હતી કે આ મર્યાદા ગેરબંધારણીય છે. તેઓ શારીરિક રીતે ગર્ભધારણ કરવા ફિટ હોવા છતાં તેમને કાયદો પરવાનગી આપતો નહોતો.
આ કેસનાં કાયદાકીય પાસાંઓ તપાસવા માટે કોર્ટે મહિલાઓને ડોનર સ્પર્મ મેળવીને પ્રક્રિયામાં આગળ વધતાં પહેલાં જરૂરી ફિટનેસ-ટેસ્ટ કરાવવાની મંજૂરી આપી છે. આ રિપોર્ટના આધારે જ તેઓ પ્રક્રિયામાં આગળ વધી શકશે કે નહીં એ નક્કી થશે.
આ વચગાળાના આદેશથી એવી ઘણી મહિલાઓ માટે આશા જન્મી છે જેઓ વધતી ઉંમરને કારણે કાયદાકીય રીતે આ ટેક્નિકનો ઉપયોગ કરી શકતી નહોતી.