08 November, 2025 10:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
મુંબઈ ઍરપોર્ટની આસપાસના ૧૦ કિલોમીટરના વિસ્તારમાં આવેલી કાયદેસર અને ગેરકાયદે તમામ પ્રકારની મીટ શૉપ બંધ કરીને એમનાં લાઇસન્સ રદ કરવાનો આદેશ તાજેતરમાં જ બૉમ્બે હાઈ કોર્ટે આપ્યો છે. ચીફ જસ્ટિસ શ્રી ચંદ્રશેખર અને ગૌતમ અણખડની ખંડપીઠે સોમવારે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ને આ અંગે મૌખિક સૂચના આપી હતી.
ઍરક્રાફ્ટ ઍક્ટ ૧૯૩૪ અને ઍરક્રાફ્ટ રૂલ્સ ૧૯૩૭ અનુસાર તથા મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનના ઍરપોર્ટ ઝોન રેગ્યુલેશન અંતર્ગત ઍરપોર્ટના ૧૦ કિલોમીટરના વિસ્તારમાં મીટ શૉપ ન હોવી જોઈએ; જ્યારે મુંબઈ ઍરપોર્ટની આસપાસ મીટ શૉપ્સ, પૉલ્ટ્રી અને ફિશ શૉપને લાઇસન્સ આપવામાં આવ્યાં છે. મ્યુનિસિપલ કૉર્પોરેશનની પોતાની જ ફિશમાર્કેટ અને નૉન-વેજ માર્કેટ નજીકમાં આવેલી છે જેથી ગમે ત્યારે ઍરક્રાફ્ટ સાથે બર્ડ હીટને લીધે કોઈ ભયંકર દુર્ઘટના બની શકે છે. આ મુદ્દા પર જાહેર હિતની અરજીની સુનાવણીમાં હાઈ કોર્ટે મીટ શૉપ સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.