11 April, 2026 10:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
બૉમ્બે હાઈ કોર્ટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) વિરુદ્ધ મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA) દ્વારા કરવામાં આવેલી ૧૧૦૦ કરોડ રૂપિયાથી વધુની લેણાની માગણીને ફગાવી દીધી છે. બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (BKC)માં કન્વેન્શન સેન્ટર અને કમર્શિયલ પ્રોજેક્ટના નિર્માણમાં થયેલા વિલંબ બદલ લાદવામાં આવેલા આ વધારાના પ્રીમિયમને કોર્ટે ગેરબંધારણીય અને અતાર્કિક ગણાવ્યું છે.
હાઈ કોર્ટે MMRDAને કડક આદેશ આપ્યો છે કે રિલાયન્સ દ્વારા ચૂકવવામાં આવેલા ૬૪૬.૭૭ કરોડ રૂપિયા ૯૦ દિવસની અંદર પાછા કરવામાં આવે. આ વિવાદની શરૂઆત ૨૦૦૬માં થઈ હતી જ્યારે રિલાયન્સે BKCમાં અંદાજે ૧.૧૫ લાખ ચોરસ મીટર જમીન ૧૧૦૪ કરોડ રૂપિયામાં લીઝ પર લીધી હતી. ત્યાર બાદ વધારાની ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ (FSI) સાથે પ્રોજેક્ટનો વિસ્તાર વધતાં કંપનીએ કુલ ૪૦૦૦ કરોડનું પ્રીમિયમ ચૂકવ્યું હતું. MMRDAની દલીલ હતી કે લીઝ ઍગ્રીમેન્ટનાં ચાર વર્ષમાં કામ પૂર્ણ થવું જોઈએ અને વિલંબ બદલ વધારાનું પ્રીમિયમ વસૂલવાનો અમને હક છે. જોકે અદાલતે MMRDAની દલીલને ફગાવતાં સ્પષ્ટ કર્યું હતું કે આ આખો પ્રોજેક્ટ એક જ કન્સ્ટ્રક્શન છે અને એને બનાવવાની સમયમર્યાદા નક્કી કરવા માટે અલગ-અલગ ભાગમાં વહેંચી ન શકાય.