09 May, 2026 09:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
બૉમ્બે હાઈ કોર્ટે રાજ્યમાં બાળકલ્યાણ સમિતિઓના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓના અભાવ અંગે મહારાષ્ટ્ર સરકારની આકરી ઝાટકણી કાઢી છે. કોર્ટે સરકારને સવાલ કર્યો હતો કે જો સરકાર પાસે લાડકી બહિણ જેવી નવી કલ્યાણકારી યોજનાઓ માટે ભંડોળ છે તો બાળકોના કલ્યાણ માટે જરૂરી પાયાની સુવિધાઓ અને ભંડોળમાં શા માટે વિલંબ કરવામાં આવી રહ્યો છે?
બાળકલ્યાણ કેન્દ્રોમાં સ્ટાફની અછત અને ખરાબ હાલત અંગેની અરજીની સુનાવણી દરમ્યાન હાઈ કોર્ટે સરકારની પ્રાથમિકતાઓ પર સવાલ ઉઠાવ્યા હતા. કોર્ટે ટિપ્પણી કરી હતી કે ‘તમે લાડકી બહિણ જેવી યોજનાઓ હેઠળ પૈસા આપો છો એ સારી વાત છે, પરંતુ બાળકોના અધિકારો અને તેમના કલ્યાણ માટે જવાબદાર સંસ્થાઓની ઉપેક્ષા ન થવી જોઈએ.’
અનેક જિલ્લાઓમાં બાળકલ્યાણ સમિતિઓ પાસે યોગ્ય ઑફિસ, પૂરતો સ્ટાફ કે પ્રાથમિક સુવિધાઓ પણ નથી. કોર્ટે નોંધ્યું હતું કે કલ્યાણકારી કાર્યો માટે અગાઉ ફાળવેલા બજેટનો પણ યોગ્ય ઉપયોગ થયો નથી. હાઈ કોર્ટે રાજ્ય સરકારને તાત્કાલિક અસરથી બાળકલ્યાણ યોજનાઓ માટે જરૂરી ફન્ડ આપવા અને ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે બ્લુપ્રિન્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. આ કેસની વધુ સુનાવણી દરમ્યાન કોર્ટે સરકારને સ્પષ્ટ ચેતવણી આપી છે કે સામાજિક કલ્યાણના નામે ચાલતી રાજકીય યોજનાઓ વચ્ચે ખરેખર જરૂરિયાતમંદ બાળકોનાં હિતોનું બલિદાન આપી શકાય નહીં.