પ્રૉપર્ટી ટૅક્સ વસૂલ કરવા માટે પ્રૉપર્ટીને સીલ ન કરી શકાય

25 May, 2026 07:36 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઉલ્હાસનગર મ્યુનિસિપલ કૉર્પોરેશનનો ઊધડો લેતાં બૉમ્બે હાઈ કોર્ટે કહ્યું...પ્રૉપર્ટી ટૅક્સ વસૂલ કરવા માટે પ્રૉપર્ટીને સીલ ન કરી શકાય

બૉમ્બે હાઈ કોર્ટ

બૉમ્બે હાઈ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ કાયદાકીય જોગવાઈ ન હોય તો સ્થાનિક નગરપાલિકા કે મ્યુનિસિપલ કૉર્પોરેશન બાકી પ્રૉપર્ટી ટૅક્સની વસૂલાત માટે કોઈની કમર્શિયલ કે રેસિડેન્શિયલ પ્રૉપર્ટીને સીલ ન કરી શકે. અદાલતે ઉલ્હાસનગર મ્યુનિસિપલ કૉર્પોરેશન (UMC)ને તાત્કાલિક અસરથી ઉલ્હાસનગરમાં સીલ કરાયેલા એક ફાસ્ટ-ફૂડ આઉટલેટ અને એક ગોડાઉનને અનસીલ કરવાનો આદેશ આપ્યો છે.

ઉલ્હાસનગરમાં દુકાન અને ગોડાઉન ધરાવતા એક વેપારીની પ્રૉપર્ટીને UMCના અધિકારીઓએ સીલ કરી દીધી હતી. UMCનો દાવો હતો કે વેપારીના ગોડાઉન પર ૫.૬૪ લાખ રૂપિયા અને દુકાન પર ૧.૩૦ લાખ રૂપિયાનો પ્રૉપર્ટી ટૅક્સ બાકી છે. આ કાર્યવાહી સામે વેપારીએ હાઈ કોર્ટમાં અરજી કરી હતી. 

જસ્ટિસ ગૌતમ અણખડ અને જસ્ટિસ સંદેશ ડી. પાટીલની વેકેશન બેન્ચે આ કેસની સુનાવણી દરમ્યાન UMCના વકીલને આકરો સવાલ કર્યો હતો કે તેઓ કાયદાની એવી કોઈ જોગવાઈ બતાવે જેના હેઠળ ટૅક્સ ન ભરવા બદલ પ્રૉપર્ટી સીલ કરવાનો અધિકાર મળી જતો હોય. જોકે કૉર્પોરેશનના વકીલ સુરેશ કાંબળે આવી કોઈ સત્તાવાર જોગવાઈ કોર્ટ સમક્ષ રજૂ કરી શક્યા નહોતા.
એમ નોંધતાં હાઈ કોર્ટે વેપારીને મૂળ પ્રૉપર્ટી ટૅક્સ જમા કરાવવાની મંજૂરી આપીને આ મામલાની આગામી સુનાવણી ૧૩ જુલાઈ પર મુલતવી રાખી છે. વેપારી કૉર્પોરેશન દ્વારા લગાવવામાં આવેલો દંડ અને લેટ પેમેન્ટ ચાર્જ અયોગ્ય ગણાવીને એની વિરુદ્ધ લડત ચાલુ રાખશે.

ulhasnagar bombay high court mumbai high court property tax real estate mumbai news mumbai