ઍર-પૉલ્યુશન મામલે હાઈ કોર્ટ BMC પર લાલઘૂમ

25 December, 2025 10:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તમારી પાસે પૂરતી સત્તા છે, પણ ગાઇડલાઇનનો અમલ થાય એની તમને પડી જ નથી

બૉમ્બે હાઈ કોર્ટ

ગઈ કાલે બૉમ્બે હાઈ કોર્ટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ઍર-પૉલ્યુશન બાબતે આકરી ટીકા કરી હતી. કોર્ટે કહ્યું હતું કે ‘તમે કંઈ કરી રહ્યા નથી. તમારી પાસે પ્રદૂષણને દૂર કરવાની ઇચ્છા અને યોજના પણ નથી. તમે કોર્ટના નિર્દેશો અને નિયમોનો અમલ કરવા માટે કંઈ ધ્યાન આપ્યું નથી. જો કોઈ નિયમોનું ઉલ્લંઘન કરે છે તો તેની સામે કાર્યવાહી કરવાની તમારી પાસે સત્તા છે, પણ નિયમોનો અમલ કરવા માટે કોઈ પદ્ધતિ નથી. તમારી પાસે ૩૮ પૉઇન્ટની ગાઇડલાઇન્સ છે, પણ એનો અમલ થઈ રહ્યો નથી.’

BMCના વકીલે જણાવ્યું હતું કે તેમણે અનેક શો-કૉઝ નોટિસ અને સ્ટૉપ વર્ક નોટિસ ઇશ્યુ કરી છે. ત્યારે કોર્ટે જવાબ આપ્યો હતો કે નોટિસ ઇશ્યુ કરવી એ ઉકેલ નથી. BMCએ એવું પણ જણાવ્યું હતું કે ૯૧ સ્ક્વૉડમાંથી ૩૯ સ્પેશ્યલ સ્ક્વૉડે ગઈ કાલે બપોરે બે વાગ્યાથી ૩૯ સ્થળોની મુલાકાત લીધી હતી. BMCએ બીજા અધિકારી ઇલેક્શન ડ્યુટીમાં હોવાનું જણાવ્યું ત્યારે કોર્ટે તેમની દલીલ ફગાવીને કહ્યું હતું કે આવા અધિકારીઓ માટે ઇલેક્શન કમિશનને લેટર લખીને જણાવવું જોઈએ કે આ બાબતમાં હાઈ કોર્ટ સંકળાયેલી છે અને આ અધિકારીઓની જરૂર છે.

આટલા નાના શહેરમાં આટલાબધા કન્સ્ટ્રક્શન-પ્રોજેક્ટ્સને મંજૂરી કેવી રીતે આપી?
હાઈ કોર્ટની બેન્ચે એવો પણ પ્રશ્ન કર્યો હતો કે મુંબઈ જેવા નાના શહેરમાં ૧૦૦૦ કરોડ રૂપિયાથી વધુના ૧૨૫થી વધુ કન્સ્ટ્રક્શન-પ્રોજેક્ટ્સને BMCએ કેવી રીતે મંજૂરી આપી દીધી? BMCએ પ્રદૂષણના મુદ્દા પર આંખ આડા કાન કર્યા છે. ઍર-પૉલ્યુશનની સ્થિતિ હાથની બહાર નીકળી રહી છે. જો શહેરમાં આ સમસ્યા આવી જ રહેશે તો કોર્ટ કન્સ્ટ્રક્શન માટે વધુ પરવાનગીઓ આપવાથી BMCને રોકવાનો આદેશ આપશે.

સ્વચ્છ હવા બાબતે લોકોનું ધ્યાન ખેંચવા મન્નતની બહાર વિરોધ-પ્રદર્શન

બાંદરા-વેસ્ટમાં બૅન્ડસ્ટૅન્ડ પર આવેલા શાહરુખ ખાનના બંગલા મન્નતની બહાર ગઈ કાલે અલગ જ નઝારો જોવા મળ્યો હતો. મુંબઈ શહેરની બગડતી હવા અને કથળતા ઍર-ક્વૉલિટી ઇન્ડેક્સ (AQI)ના મુદ્દા તરફ લોકોનું ધ્યાન ખેંચવા કેટલાક ઍક્ટિવિસ્ટ મન્નતની બહાર પ્લેકાર્ડ લઈને ઊભા રહ્યા હતા. અહીં તેમણે શાંતિપૂર્ણ રીતે લોકોને તેમનો સંદેશ આપ્યો હતો કે ‘મુંબઈ જ્યારે ક્રિસમસનું સેલિબ્રેશન કરી રહ્યું છે ત્યારે આપણું શહેર શ્વાસ લેવા માટે પણ સંઘર્ષ કરી રહ્યું છે. સ્વચ્છ હવા આપણો અધિકાર છે અને એ માટે સરકારે પગલાં ભરવાં જોઈએ.’ ઍક્ટિવિસ્ટ્સ દ્વારા મન્નતને લોકોનું ધ્યાન ખેંચવા માટે સિમ્બૉલિક પ્લેસ તરીકે પસંદ કરવામાં આવી હતી.

mumbai news mumbai bombay high court air pollution brihanmumbai municipal corporation