કાંદિવલીની બાલભારતીમાં પુસ્તકમેળો

29 November, 2022 12:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શનિવારથી ચાલુ થયેલા અને ૧૦ દિવસ સુધી ચાલનારા આ પુસ્તકમેળામાં મુંબઈના મોટા ભાગના બધા પ્રકાશકોએ ભાગ લીધો છે

પુસ્તકમેળો

ગુજરાતી સાહિત્યનાં બધા પ્રકારનાં પુસ્તકોનો સમાવેશ કરતા પુસ્તકમેળાનું કાંદિવલીની બાલભારતી ખાતે આયોજન કરવામાં આવ્યું છે. શનિવારથી ચાલુ થયેલા અને ૧૦ દિવસ સુધી ચાલનારા આ પુસ્તકમેળામાં મુંબઈના મોટા ભાગના બધા પ્રકાશકોએ ભાગ લીધો છે અને તેમનાં પુસ્તકો વેચાણ માટે મૂક્યાં છે.      

પુસ્તકમેળાનું ઉદ્ઘાટન કવિ અને નાટકકાર સિતાંશુ યશશ્ચંદ્રએ દીપ પ્રગટાવીને કર્યું હતું. તેમણે ‘પુસ્તકમેળો’ શબ્દ છૂટો પાડીને પુસ્તક, મેળો, મેળ, રોજમેળની ચર્ચા કરતાં હાલની પરિસ્થિતિ અંગે અસંતોષ વ્યક્ત કર્યો હતો. જોકે ‘પુસ્તકમેળો’ આયોજિત કરાયો એ બદલ આનંદ વ્યક્ત કર્યો હતો. સિતાંશુભાઈનો પરિચય પ્રાધ્યાપક અલકા જોશીએ આપ્યો હતો. સિતાંશુભા​ઈની પાર્શ્વભૂમિકા જાણીતા ચિત્રકાર, કવિ, પ્રાધ્યાપક પ્રબોધ પરીખે આપી હતી. પુસ્તકમેળાના સહઆયોજક એન. એમ. ઠક્કરની કંપનીના હેમંત ઠક્કરે પુસ્તકમેળાના આયોજનનો હેતુ સમજાવ્યો હતો. આ ઉપરાંત લેખક-પ્રકાશક સતીશ વ્યાસે એના આયોજન પાછળની વાત કરી હતી. 

પ્રબોધ પરીખે કવિ સિતાંશુ યશશ્ચંદ્ર પર બનાવેલી ડૉક્યુમેન્ટરી ‘આ માણસ ગુજરાતી લાગે છે’ પણ આ પ્રસંગે બતાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જાણીતા વૈજ્ઞાનિક પંકજ વૈયા, અભિનેતા દર્શન જરીવાલા તથા અનેક કવિઓ, વાર્તાકારો, પ્રાધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા. 

mumbai mumbai news kandivli