૬ તોલા સોનાના દાગીના ચોરીને એની જગ્યાએ બેન્ટેક્સનાં ઘરેણાં ગોઠવી દીધાં

30 April, 2026 12:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બોરીવલીમાં એક વૃદ્ધાની દેખરેખ માટે રાખવામાં આવેલી મહિલાનું કારસ્તાન : નકલી દાગીનાની વધારે પડતી ચમકથી ફૂટ્યો ભાંડો

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

બોરીવલી-વેસ્ટના ચીકુવાડી વિસ્તારની એક સોસાયટીમાં રહેતા ૬૪ વર્ષના નિવૃત્ત સિનિયર સિટિઝનના ઘરમાં ૬ તોલા સોનાના દાગીના ચોરી કરવાના આરોપસર બોરીવલી પોલીસે તેમના ઘરમાં કામ કરતી ૩૩ વર્ષની પૂજા ગુરવની ધરપકડ કરી હતી. સિનિયર સિટિઝને પોતાની માતાની દેખરેખ કરવા માટે પૂજાને નોકરીએ રાખી હતી. દરમ્યાન તાજેતરમાં ઘરના દાગીના પર વધારે ચમક લાગતાં એની તપાસ કરવામાં આવતાં તમામ દાગીના બેન્ટેક્સના હોવાની માહિતી મળી હતી. વધુ તપાસ કરતાં પૂજાએ તમામ દાગીના ધીરે-ધીરે ચોરી કરીને ખબર ન પડે એ માટે બેન્ટેક્સના દાગીના ગોઠવી દીધા હતા. આ કેસમાં બોરીવલી પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

બોરીવલી પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ફરિયાદીની માતા રોજ સવારે સોનાની બંગડીઓ અને ચેઇન પહેરતી અને સાંજે એને કબાટમાં મૂકી દેતી હતી. તાજેતરમાં ફરિયાદીએ ધ્યાન આપ્યું હતું કે તેની માતાની બંગડીઓ અસામાન્ય રીતે નવી અને ચમકદાર લાગી રહી હતી. એટલે શંકા જતાં તેઓ અને તેમની પત્ની બંગડીઓ લઈને સોની પાસે ગયાં હતા. ત્યાં જાણવા મળ્યું કે બંગડીઓ સોનાની નહીં પરંતુ નકલી બેન્ટેક્સની છે. આથી ઘરમાં ચોરીની શંકા મજબૂત બની હતી. વધુ તપાસ કરવામાં આવતાં પૂજાએ દાગીના ચોરી કર્યા હોવાની ખાતરી થતાં તેમણે અમારી પાસે ફરિયાદ નોંધાવી હતી. આરોપી મહિલાએ પાંચ સોનાની બંગડીઓ અને ૨૦ ગ્રામની સોનાની ચેઇન કોને વેચી એની તપાસ કરવામાં આવી રહી છે.’

Crime News mumbai crime news mumbai police borivali mumbai mumbai news