14 May, 2026 08:24 AM IST | Mumbai | Rohit Parikh
વિરાર પાસેના ઘાટેઘરમાં આવેલી ગૌશાળામાં બેબી શાવરની વિધિ કરી રહેલાં કિશન અને હિમાંશી કાનાબાર. પ્રેમ વલ્લભ ગૌશાળામાં સીમંતની ઉજવણી પ્રસંગે ગાયોને લાપસી ખવડાવી રહેલાં કિશન અને હિમાંશી કાનાબાર.
આજે દરેક સમાજના લોકો દ્વારા સીમંત (બેબી શાવર) જેવા પ્રસંગો મોટી-મોટી વાડીઓ અને હૉલ લઈને ધામધૂમથી ઊજવવામાં આવે છે. જોકે ગૌપ્રેમી અને ગૌસેવાનાં કાર્યો સાથે વર્ષોથી સંકળાયેલા બોરીવલીના કાનાબાર પરિવારે આવનારા બાળકમાં ગર્ભમાંથી જ ગૌમાતા પ્રત્યે કરુણા જાગે અને મહેમાનો પણ ગૌસેવાની મહત્તા સમજે એ ઉદ્દેશથી તેમની પુત્રવધૂના સીમંતનો પ્રસંગ વિરાર હાઇવે પર આવેલી શ્રી પ્રેમ વલ્લભ ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી પ્રેમ વલ્લભ વીરદાદા જસરાજ ગૌશાળા ટ્રસ્ટના પ્રાગંણમાં આયોજિત કરીને એક નવો ચીલો ચાતર્યો હતો.
આ પ્રસંગે આ પરિવારે સીમંતવિધિ પૂરી થયા પછી પહેલાં ગૌમાતાને લાપસી ખવડાવી હતી. ત્યાર પછી શ્રી હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા અને આસપાસ વસતા આદિવાસીઓને આમરસ સાથે બે મિષ્ટાન્ન અને ફરસાણનું જમણ જમાડીને મહેમાનોને જમાડ્યા હતા. છેલ્લે સાંજના ગૌમાતાને તરબૂચ, ઘાસ અને પાણી આપીને ગૌશાળામાંથી વિદાય લીધી હતી.
મૂળ મેંદરડાના દિલીપ કાનાબાર છેલ્લાં ૨૦ વર્ષથી ગૌસેવાના કાર્યમાં શ્રી ગૌસેવા ચૅરિટેબલ ટ્રસ્ટ સાથે જોડાયેલા છે. દરેક રવિવારે તેઓ તેમના જેવા અનેક ગૌભક્તો સાથે વિરાર પાસેના ઘાટેઘરમાં આવેલી પ્રેમ વલ્લભ ગૌશાળામાં જઈને ગાયોને લાપસી અને ઘાસચારો ખવડાવીને ગાયોની સેવા કરે છે. સાથે-સાથે જલારામ અન્નક્ષેત્રના નેજા હેઠળ ગૌશાળામાં આવેલા મહેમાનો તેમ જ આજુબાજુમાં રહેતા આદિવાસીઓને અન્નસેવા આપી રહ્યા છે. આ ગૌશાળામાં ૧૪૯ વૃદ્ધ ગાયોને આશરો આપવામાં આવ્યો છે. એમાંથી ફક્ત બે ગાય દૂધ આપે છે જે કાંદિવલી અને બોરીવલીની હવેલીમાં મોકલી આપવામાં આવે છે.
આ બાબતની માહિતી આપતાં આ પરિવારના સભ્ય જેવા અને ૧૯૯૫થી ગૌસેવા કરી રહેલા કાંદિવલીના ગૌભક્ત ભરત સવજનીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દિલીપ અને જિજ્ઞા કાનાબારનો પુત્ર કિશન અને તેની પત્ની હિમાંશી બ્રિટનમાં સ્થાયી થયાં છે. જોકે તેઓ મમ્મી-પપ્પાની ગૌસેવા અને ગૌભક્તિથી વાકેફ છે. હિમાંશી અત્યંત મૉડર્ન હોવા છતાં જ્યારે તેની સામે ગૌશાળામાં સીમંતનો પ્રસંગ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો ત્યારે તેણે અને તેના પરિવારજનોએ તરત જ પ્રસ્તાવને હસતા મુખે સ્વીકારી લીધો હતો. કાનાબાર અને દીક્ષિત પરિવારનો ગૌશાળામાં પ્રસંગની ઉજવણી કરવા પાછળનો ઉદ્દેશ એક જ હતો કે ગૌશાળાની પવિત્ર જગ્યામાં બધાં સગાંસ્નેહીને પ્રસંગમાં હાજર રહીને ગૌમાતાની સેવા કરવાનો અવસર મળે અને આ પ્રસંગમાંથી અન્ય લોકોને ગૌશાળામાં પ્રસંગ કરવાની પ્રેરણા મળે તથા આવનાર બાળકને ગર્ભમાંથી જ અન્ય લોકોની જેમ ગૌમાતા પ્રત્યે કરુણા જાગે અને એનું મહત્ત્વ સમજે.’