22 June, 2026 10:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રહેવાસીઓએ ગઈ કાલે શિંપોલી મેદાન પર કરેલું આંદોલન.
મુંબઈમાં સતત ઘટતી જતી ખુલ્લી જગ્યાઓ વચ્ચે બોરીવલી-વેસ્ટના રહેવાસીઓએ ડેવલપમેન્ટ પ્લાન (DP) ૨૦૩૪ હેઠળ આરક્ષિત ૧૬,૦૦૦ ચોરસ મીટરના શિમ્પોલી રમતગમતના મેદાન પર દબાણ થવાનો ભય વ્યક્ત કર્યો છે. આ ખુલ્લી જગ્યાના સંરક્ષણની માગણી સાથે રહેવાસીઓ દ્વારા ગઈ કાલે સવારે ૧૦ વાગ્યે મેદાન પર એક જનજાગૃતિ રૅલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
રહેવાસીઓનું કહેવું હતું કે ‘આ પ્લેગ્રાઉન્ડ આ વિસ્તારની ગણીગાંઠી બચેલી જાહેર ખુલ્લી જગ્યાઓમાંથી એક છે. જો અહીં કોઈ પણ પ્રકારનું બાંધકામ થશે અથવા એના આરક્ષણમાં ફેરફાર કરવામાં આવશે તો એક સારી ખુલ્લી જગ્યાથી લોકો વંચિત થઈ જશે.’
આ મુદ્દે શિવસેનાના નેતા વિનોદ પંઢારેએ BMCનાં કમિશનર અશ્વિની ભિડે અને મેયર રિતુ તાવડેને પત્ર લખીને વિનંતી કરી છે કે આ પ્લૉટને માત્ર રમતગમતના મેદાન તરીકે જ રાખવામાં આવે અને એના DP ૨૦૩૪ના આરક્ષણમાં કોઈ પણ પ્રકારના બાંધકામ કે ફેરફાર પર સખત પ્રતિબંધ મૂકવામાં આવે. ‘સેવ શિમ્પોલી ગામદેવી પ્લેગ્રાઉન્ડ’ ઝુંબેશને અત્યાર સુધીમાં ૭૦૦થી વધુ રહેવાસીઓનો ટેકો મળ્યો છે. આ વિવાદ વિશે સોમવારે BMCના હેડક્વૉર્ટર ખાતે ઇમ્પ્રૂવમેન્ટ કમિટી સાથે બેઠક કરવામાં આવશે.