ડૉગી સારા ઘરનો લાગતાં હું પોલીસ પાસે એને લઈ ગઈ

04 August, 2022 11:36 AM IST  |  Mumbai | Mehul Jethva

આવું કહેવું છે રસ્તા પર મળી આવેલા ડોબરમૅનને પોલીસ પાસે લઈ જનાર ઍડ્વોકેટ સપના શાહનું : પોલીસે ડૉગીનો ફોટો સો​શ્યલ ​મીડિયા પર વાઇરલ કરીને ટૂંકમાં જ એને મૂળ માલિક સુધી પહોંચાડ્યો

એમએચબી પોલીસ સાથે ડૉગી અને એનો મૂળ માલિક

બોરીવલીમાં રહેતી એક મહિલા ઍડ્વોકેટ મૉર્નિંગ વૉક માટે જઈ રહી હતી ત્યારે તેને ડોબરમૅન પ્રજાતિનો એક ડૉગી રસ્તા પર ડરેલી હાલતમાં મળી આવ્યો હતો. ડૉગીને સારી હાલતમાં જોઈને એ કોઈના ઘરેથી ગુમ થયો હોય એવું લાગતાં મહિલા ઍડ્વોકેટે એમએચબી પોલીસ સ્ટેશનમાં લઈ જઈને પોલીસ સ્ટેશનની બહાર એને બાંધી દીધો હતો. સ્થાનિક સિનિયર પોલીસે ડૉગીનો ફોટો સોશ્યલ મીડિયા પર વાઇરલ કરતાં ડૉગી એના મૂળ માલિક સુધી પહોંચી ગયો હતો.

બોરીવલીમાં રહેતાં ઍડ્વોકેટ સપના શાહ સોમવારે સવારે મૉર્નિંગ વૉક માટે ગોરાઈ બીચ જઈ રહ્યાં હતાં ત્યારે તેમણે લિન્ક રોડ પર રોડની વચ્ચે બસની અડફટે આવતા ડોબરમૅન ડૉગીને જોયો હતો. એ બહુ ડરેલી હાલતમાં હતો. એ પછી તેમણે ડૉગીને નજીક જઈને જોયો હતો. ડૉગી કોઈના ઘરેથી મિસિંગ થયો હોવાનું તેમને લાગ્યું હતું. એટલે પછી એને પકડીને એમએચબી પોલીસ સ્ટેશનમાં લઈ જઈને ત્યાં પોલીસ અધિકારીઓની મદદથી બહારના ભાગમાં એને બાંધી દીધો હતો. પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સુધીર કુડાલકરે ડૉગીના મૂળ માલિકને શોધવા માટે ફેસબુક અને વૉટ્સઍપ પર ડૉગીની માહિતી પોસ્ટ કરી હતી. આશરે ૨૪ કલાક પછી રમેશ વર્મા નામના એના મૂળ માલિકે પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને એના ડૉગીને પાછો મેળવ્યો હતો.
એમએચબી પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સુધીર કુડાલકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ડૉગીને એક ઍનિમલ ઍક્ટિવિસ્ટ અહીં લાવી હતી. એ કોઈ સારા ઘરેથી મિસિંગ થયો હોય એવું લાગી રહ્યું હતું. એટલે મેં મારા સોશ્યલ અકાઉન્ટ પર એની માહિતી મૂકી હતી અને એનો ફોટો પણ મૂક્યો હતો જે મૂળ માલિક સુધી પહોંચ્યો હતો. તે ગઈ કાલે આવીને અમારી પાસેથી ડૉગી લઈ ગયો હતો.’

ઍડ્વોકેટ સપના શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ડૉગીને મેં જ્યારે જોયો ત્યારે એ બહુ જ ડરેલી હાલતમાં હતો. પ્રાથમિક માહિતીના આધારે એ કોઈ સારા ઘરનો લાગતો હતો એટલે હું એને ઉપાડીને એમએચબી પોલીસ સ્ટેશનમાં લઈ ગઈ હતી. ત્યાં પોલીસ અધિકારીઓએ એને એના મૂળ માલિક સુધી પહોંચાડ્યો હતો.’

mumbai mumbai news borivali mehul jethva