31 May, 2026 09:23 AM IST | Mumbai | Rohit Parikh
મેહુલ કટારિયા
ડોમ્બિવલીના ૪૦ વર્ષના મેહુલ કટારિયા (ભાનુશાલી)નું મંગળવારે મોડી રાતે અચાનક બ્રેઇન-હૅમરેજ થવાથી બ્રેઇન ડેડ થઈ ગયું હતું. વર્ષો સુધી ઉંમરલાયક માતાની સેવા કરનાર મેહુલને થાણેની જુપિટર હૉસ્પિટલના ડૉક્ટરોએ શુક્રવારે બ્રેઇન-ડેડ જાહેર કર્યા પછી તેના પરિવારજનોએ તેનાં ઑર્ગન ડોનેટ કરવાનો ઉત્તમ અને પ્રેરણાદાયક નિર્ણય લઈને મેહુલની બે કિડની, લિવર, હાડકાં, બે કૉર્નિયા ડોનેટ કર્યાં હતાં. ડૉક્ટરોના કહેવા અનુસાર આ અવયવો ૧૭થી વધુ લોકોના કામમાં આવશે.
રાતના ઊંઘમાં જ બ્રેઇન-હૅમરેજ
કચ્છી ભાનુશાલી જ્ઞાતિનો મેહુલ કટારિયા મૂળ કચ્છના નુંધાતડ ગામનો હતો. મેહુલ મંગળવારે રાતના ૧૨.૩૦ વાગ્યા સુધી એકદમ સ્વસ્થ હતો એમ જણાવતાં તેના ૩૬ વર્ષના નાના ભાઈ મયૂર કટારિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારી મમ્મી મણિબહેનની ઉંમર થઈ ગઈ હોવાથી અને તબિયત સારી ન રહેતી હોવાથી મેહુલ મમ્મીને રસોઈથી લઈને ઘરનાં બધાં જ કામોમાં મદદ કરવા ઘરે જ રહેતો હતો. મંગળવારે રાતે હું નોકરીએથી આવ્યો ત્યારે અમારી વચ્ચે શું રસોઈ બનાવી છે, મમ્મીને કેમ છે, તે જમ્યો કે નહીં જેવી નૉર્મલ વાતો થઈ હતી. ત્યારે તેની કોઈ શારીરિક ફરિયાદ તેણે કરી નહોતી. મારી સાથે વાત કરીને તે તરત જ સૂઈ ગયો હતો. બુધવારે સવારે ૫.૩૦ વાગ્યે મમ્મીને મેહુલની તબિયત બરાબર નથી એવું લાગ્યું હતું, પણ તે સૂતો હતો એટલે અમે તેને જગાડ્યો નહોતો. સામાન્ય દિવસોમાં મેહુલ સવારે ઊઠીને તેના રોજિંદા ઘરકામમાં લાગી જતો હતો, પણ એ દિવસે તે ઊઠ્યો જ નહોતો. જોયું તો તેણે પથારીમાં જ પેશાબ કરી નાખ્યો હતો. અમે એ વાતને મજાકમાં લીધી કે કોઈએ તેનાં કપડાં પર પાણી નાખી દીધું લાગે છે. જોકે થોડી વાર પછી મારી બહેન સોનલ નાખુઆએ કહ્યું કે મેહુલ શરીરનું હલનચલન જ કરતો નથી, કદાચ તેને ઊંઘમાં પૅરૅલિસિસ થઈ ગયો હોય એવું લાગે છે. આથી પહેલાં અમે અમારા ફૅમિલી-ડૉક્ટરને બોલાવ્યા. મેહુલની તબિયત વધુ ખરાબ લાગતાં તેમણે અમને તેને સાયન કે KEM હૉસ્પિટલમાં લઈ જવા કહ્યું હતું. અમે તરત જ તેને પહેલાં કલવાની શિવાજી હૉસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાંના ડૉક્ટરોએ સારવાર તો કરી, પણ તબિયતની ગંભીરતા સમજીને અમને સાયન હૉસ્પિટલમાં લઈ જવા જણાવ્યું હતું. સાયન હૉસ્પિટલમાં ICU અને વેન્ટિલેટર ખાલી ન હોવાથી અમે મેહુલને થાણેની એક હૉસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાંના ડૉક્ટરોએ અમને મેહુલનું બ્રેઇન ડેડ થઈ ગયું હોવાથી થાણેની જુપિટર હૉસ્પિટલમાં લઈ જવા કહ્યું હતું.’
ઑર્ગન-ડોનેશનનો નિર્ણય
મારાં કઝિન ભાભી ડૉ. ભાવના ભાનુશાલીને મેહુલની સ્થિતિની જાણ થઈ એટલે તરત જ તેમણે અમને શક્ય હોય તો મમ્મીની સેવામાં હંમેશાં વ્યસ્ત રહેનારા મેહુલનાં ઑર્ગન ડોનેટ કરીને સમાજસેવા કરવાની પ્રેરણા કરી હતી એમ જણાવતાં મયૂર કટારિયાએ કહ્યું હતું કે ‘આ વાતની મેં મારી મમ્મીને જાણ કરી હતી. મમ્મીએ મને કહ્યું કે પહેલાં જુપિટર હૉસ્પિટલમાં લઈ જઈને તેને બચાવવા માટે પ્રયાસ કરો, એમાં સફળ ન થાઓ તો ભલે તેનાં ઑર્ગન ડોનેટ કરવાનો નિર્ણય લેજો. મમ્મીની મંજૂરી મળ્યા બાદ અમને જુપિટર હૉસ્પિટલના ડૉક્ટરોએ પણ ઑર્ગન-ડોનેશન માટે પ્રોત્સાહિત કર્યા હતા. એને પરિણામે અમે ગઈ કાલે મેહુલનું હૃદય, બે ફેફસાં, બે કિડની, લિવર, પૅન્ક્રિયાસ, આંતરડાં, હાડકાં, બે કૉર્નિયા ડોનેટ કરીને અનેક લોકોને જીવતદાન આપવાની તૈયારી કરી હતી. જોકે ટેક્નિકલ અને મેડિકલ કારણોસર અમે ફક્ત તેની બે કિડની, લિવર, બે આંખો અને હાડકાં ડોનેટ કરીને ૧૭ કરતાં વધુ લોકોને એક નવી જિંદગી આપવામાં સહભાગી બન્યા હતા. મમ્મીની સેવા કરીને મમ્મીના ભારોભાર આશીર્વાદ મેળવનારા તથા મૃત્યુ બાદ તેનાં ઑર્ગન દાન કરીને અનેક લોકોને જીવન આપનારા મારા મોટા ભાઈના આત્માને પ્રભુ સદ્ગતિ આપે અને મમ્મીને તેના મૃત્યુના શોકને સહન કરવાની શક્તિ આપે એવી હું પ્રભુ પાસે પ્રાર્થના કરું છું.’
સમાજની પ્રેરણાંજલિ
શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ મુંબઈ તથા શ્રી નુંધાતડ ભાનુશાલી યુવક પ્રગતિ મિત્ર મંડળ મુંબઈ તથા શ્રી નુંધાતડ ભાનુશાલી મહાજન કચ્છના અગ્રણી કાર્યકર જયંતી દામાએ મેહુલના સદ્કાર્યને પ્રેરણાંજલિ આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મેહુલના આ સદ્કાર્યમાં અમારા સમાજની ટીમ હૉસ્પિટલમાં હાજર રહી હતી અને અમારા સમાજ તરફથી સલામી આપવામાં આવી હતી. ત્યાર બાદ ગઈ કાલે સાંજના ડૉમ્બિવલીમાં તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.’