13 January, 2026 07:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
BSEના મૅનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર સુંદરરમણ રામમૂર્તિ
બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ (BSE)ના ધ્યાનમાં આવ્યું છે કે સોશ્યલ મીડિયા તથા મેસેજિંગ પ્લૅટફૉર્મ પર એક છેતરપિંડીયુક્ત ડીપફેક વિડિયો ફરતો મૂકવામાં આવ્યો છે, જેમાં BSEના મૅનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર સુંદરરમણ રામમૂર્તિની ખોટી રીતે રજૂઆત કરીને શૅર વિશે ભલામણો અને રોકાણ-સલાહ આપવામાં આવી રહી હોવાનું દર્શાવાયું છે.
આ વિડિયોમાં ભ્રામક અને ખોટા દાવાઓ કરવામાં આવ્યા છે, જેમાં ૨૦૨૬ના રોકાણ માટે શૅર-ટિપ્સ આપવાનો ખોટો દાવો કરવામાં આવે છે તથા અસાધારણ અથવા અસામાન્ય નફાનાં વચનો આપવામાં આવે છે અને દર્શકોને એક વૉટ્સઍપ ચૅનલમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.
આ સંદર્ભમાં BSEએ સ્પષ્ટતા કરી છે કે આ વિડિયો નકલી, ગેરકાયદે અને ડીપફેક ટેક્નૉલૉજી દ્વારા બનાવટી રીતે તૈયાર કરવામાં આવ્યો છે.
સુંદરરમણ રામમૂર્તિ કે BSEના કોઈ પણ અધિકારી અધિકૃત અથવા વ્યક્તિગતરૂપે શૅર-ટિપ્સ, રોકાણ-ભલામણો આપતા નથી તથા વૉટ્સઍપ, ટેલિગ્રામ અથવા આવાં કોઈ પણ જૂથો ચલાવતાં નથી એવી સ્પષ્ટતા કરીને BSEએ કહ્યું છે કે રોકાણકારો અને સામાન્ય જનતાને કડક સલાહ આપવામાં આવે છે કે તેઓ આવા વિડિયો, મેસેજ અથવા લિન્ક્સ પર આધાર ન રાખે કે એના આધારે કોઈ પગલું ન ભરે અને બજારસંબંધિત માહિતી માટે માત્ર BSEનાં અધિકૃત હૅન્ડલ્સ અને ચૅનલ્સ તેમ જ સેબી-રજિસ્ટર્ડ મધ્યસ્થો દ્વારા જ જાહેર થયેલા મેસેજનો સહારો લે.
BSE આ સામગ્રી દૂર કરાવવા તથા જવાબદાર લોકો સામે યોગ્ય કાર્યવાહી શરૂ કરવા જરૂરી પગલાં લઈ રહ્યું છે.