19 October, 2025 08:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)ના અતિક્રમણ વિભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (DMC) શંકર પટોલે સામે ઍન્ટિ કરપ્શન બ્યુરો (ACB)માં ફરિયાદ નોંધાવનાર ૪૭ વર્ષના બિલ્ડર અભિજિત કદમને શુક્રવારે અજાણ્યા યુવકે ફોન કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે થાણે નગર પોલીસે ધમકી આપનાર વ્યક્તિ સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વેપારી અભિજિત શુક્રવારે બપોરે થાણે ACB ઑફિસે હતો ત્યારે ફોન કરનાર અજાણી વ્યક્તિએ ધમકી આપી હતી કે જિતના ભી નાટક કિયા ઉસમેં શાંત હો જા, નહીં તો ઑફિસ પે આકે ઠોક દૂંગા. આ ઘટના થાણેમાં ચર્ચાનો વિષય બની છે.
થાણે નગર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર ભરત ચૌધરીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બાંધકામના વેપારી અભિજિત કદમે TMCના એક સિનિયર અધિકારી સામે ACBમાં લાંચ માગવા વિશે ફરિયાદ નોંધાવી હતી. એ પછી અધિકારી સહિત ત્રણ જણની ACBએ ધરપકડ કરી હતી. આ કેસમાં વધુ માહિતી માટે થાણે-વેસ્ટમાં આવેલી ACBની ઑફિસ પર શુક્રવારે બપોરે ત્રણ વાગ્યે અભિજિત આવ્યો હતો. તેનું સ્ટેટમેન્ટ ચાલી રહ્યું હતું ત્યારે એક અજાણ્યા યુવકે તેને ફોન કરીને ધમકી આપી હતી. એ વખતે સામેવાળી વ્યક્તિ કોણ છે એવું પૂછતાં ફોન કરનારે કહ્યું હતું કે મૈં તેરા બાપ બોલ રહા હૂં, આગે સે ઊલટા-સીધા હરકત કિયા તો ઝિંદા નહીં છોડૂંગા. એ પછી અભિજિતે ઘટનાની જાણ ACBના તપાસ-અધિકારીઓને કર્યા બાદ ઘટનાની ફરિયાદ અમારી પાસે નોંધાવી હતી. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અમારી બે ટીમ ફોન કરનાર યુવકને શોધી રહી છે.’