27 June, 2026 07:29 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મુંબઈના ભાયખલા વિસ્તારમાં મોહરમની શોભાયાત્રા દરમિયાન શંકાસ્પદ કેપ્સ્યુલ વિતરણ કરવાના આરોપમાં પોલીસે એક વ્યક્તિની અટકાયત કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, એક વ્યક્તિ કેપ્સ્યુલ ખાધા પછી બીમાર પડ્યા બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી. આરોપીની ઓળખ પુણેના રહેવાસી ફૈયાઝ પ્રેમજી તરીકે થઈ છે.
પોલીસસે આપેલી માહિતી અનુસાર, મોહરમ શોભાયાત્રા દરમિયાન આરોપી લોકોને નશાની ગોળીઓ વહેંચી રહ્યો હતો. પૂછપરછ કરતાં તેણે દાવો કર્યો કે તે પેઇનકિલર વહેંચી રહ્યો હતો. જોકે, એક વ્યક્તિએ ગોળી ખાધા પછી ઉલટી અને બેચેનીની ફરિયાદ કરી હતી. પોલીસને સવારે 4 વાગ્યાની આસપાસ ઉલટી અને પેટમાં દુખાવો થઈ રહ્યો હોવાની માહિતી મળી હતી, જેના પગલે પોલીસ ટીમે શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી હતી.
ડીસીપી જયંત મીણાએ જણાવ્યું હતું કે, "મોહરમના સરઘસમાં એક શંકાસ્પદ વ્યક્તિ જોવા મળી હતી. પૂછપરછમાં જાણવા મળ્યું કે તે પરવાનગી વિના કેપ્સ્યુલ્સનું વિતરણ કરી રહ્યો હતો. પૂછપરછ દરમિયાન તેણે કબૂલ્યું કે તેણે મોહરમના સરઘસને નિશાન બનાવવા માટે આ કર્યું હતું." પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ 30,000 થી વધુ કેપ્સ્યુલ્સ તૈયાર કરવાનું લક્ષ્ય રાખ્યું હતું. તપાસમાં જાણવા મળ્યું કે આ કેપ્સ્યુલ્સમાં ઝીંક ફોસ્ફાઇડ હતું, જે ઉંદરના ઝેર તરીકે વપરાતો પદાર્થ હતો. પોલીસે આરોપી પાસેથી 14,900 કેપ્સ્યુલ્સ અને આશરે 50 કિલોગ્રામ ઝીંક ફોસ્ફાઇડ જપ્ત કર્યું. પોલીસનો દાવો છે કે દરેક કેપ્સ્યુલમાં એક ગ્રામ ઝેર હતું.
પોલીસના જણાવ્યા અનુસાર, ફૈયાઝ પ્રેમજી પુણેનો રહેવાસી છે અને પેઇન્ટનો વ્યવસાય કરે છે. તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે તે 2025માં ઈરાન અને ઇરાક ગયો હતો. પોલીસ હવે આ યાત્રાઓનો હેતુ જાણવાનો પ્રયાસ કરી રહી છે. ડીસીપી જયંત મીણાએ જણાવ્યું હતું કે, "પોલીસે એક મોટી દુર્ઘટના ટાળી છે. તપાસ ચાલુ છે, અને હેતુ શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આરોપી દ્વારા મોટા પાયે કાવતરું ઘડવામાં આવ્યું હોવાની શંકા હતી. અમે તમામ પાસાઓની તપાસ કરી રહ્યા છીએ. તેનું નામ ફૈયાઝ પ્રેમજી છે, અને તે પુણેનો રહેવાસી છે. ફૈયાઝે લોકોને નુકસાન પહોંચાડવાનું કાવતરું ઘડ્યું હતું." પોલીસ આ મામલાની વિગતવાર તપાસ કરી રહી છે. તેઓ એ પણ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આરોપીએ ઝિંક ફોસ્ફાઇડ અને મોટી માત્રામાં કેપ્સ્યુલ કેવી રીતે મેળવ્યા, અને શું આ કેસમાં અન્ય કોઈ સંડોવાયેલ છે.