27 November, 2025 07:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શક્તિ નામના વાઘનું ૧૭ નવેમ્બરે મૃત્યુ થયું હતું
ભાયખલામાં આવેલા રાણીબાગ તરીકે ઓળખાતા વીરમાતા જિજાબાઈ ભોસલે પાર્ક અને ઝૂમાં રહેતા શક્તિ નામના વાઘનું ૧૭ નવેમ્બરે મૃત્યુ થયું હતું. ઝૂ ઑથોરિટીએ ૮ દિવસ સુધી આ સમાચાર છુપાવ્યા હોવાના આરોપોને લીધે ગંભીર પ્રશ્નો ઊભા થયા હતા. જોકે આ મામલે રાણીબાગ ઝૂના મૅનેજમેન્ટે ખુલાસો બહાર પાડ્યો છે.
મૅનેજમેન્ટની સ્પષ્ટતા
મૅનેજમેન્ટે જણાવ્યા મુજબ રાણીબાગમાં શક્તિ વાઘનું મૃત્યુ ૧૭ નવેમ્બરે બપોરે ૧૨.૧૫ વાગ્યે થયું હતું. પ્રાથમિક તપાસ અનુસાર વાઘનું મૃત્યુ વાઈ (ફિટ)ના હુમલાને કારણે થયું હશે. આ અંગેની માહિતી સેન્ટ્રલ ઝૂ ઑથોરિટી (CZA) અને મહારાષ્ટ્ર સ્ટેટ ઝૂ ઑથોરિટીને ૧૮ નવેમ્બરે ઈ-મેઇલ કરીને આપી દેવામાં આવી હતી.
ન્યુમોનિયાથી થયું મૃત્યુ
પ્રાથમિક તપાસમાં જણાયું હતું કે શક્તિનાં ૯૦ ટકા ફેફસાં ખરાબ થઈ ગયાં હતાં. પરેલની મુંબઈ વેટરિનરી કૉલેજના પૅથોલૉજી વિભાગે એની તપાસમાં પાયોગ્રૅન્યુલોમેટસ ન્યુમોનિયાને પગલે શ્વાસ લેવામાં થતી મુશ્કેલીને કારણે વાઘે જીવ ગુમાવ્યો હોવાનું તારણ આપ્યું હતું. વધુ તપાસ માટે અમુક સૅમ્પલ નાગપુરના ગોરેવાડા વન્યજીવન સંશોધન અને તાલીમકેન્દ્રમાં પણ મોકલવામાં આવ્યાં છે.
જોકે આ બાબતથી પરિચિત હોય એવા કેટલાક પ્રાણીપ્રેમીઓ એવી પણ વાત કરી હતી કે શક્તિનું મૃત્યુ શ્વાસ નળીમાં હાડકું ફસાઈ જવાને લીધે થયું હોઈ શકે છે. આમ તો ઘણા સમયથી શક્તિ એકદમ સ્વસ્થ જ હતો.
આઠ વર્ષનો હતો શક્તિ
૨૦૨૦ના ફેબ્રુઆરીમાં છત્રપતિ સંભાજીનગરના ઝૂમાંથી શક્તિને મુંબઈ લાવવામાં આવ્યો હતો. ત્યારે એ સાડાત્રણ વર્ષનો હતો. મૃત્યુ સમયે એની ઉંમર આઠ વર્ષ હતી. એ રાણીબાગમાં વાઘ જય અને વાઘણ કરિશ્મા સાથે રહેતો હતો.