રામચંદ્ર જાટ ગામમાં વે-બ્રિજનો વ્યવસાય ધરાવે છે. તેઓ સરપંચની ચૂંટણી લડવા માગતા હતા, પરંતુ પુત્ર રવીન્દ્ર અને પુત્રવધૂ મહિન્દ્રએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ બાબતને લઈને છેલ્લા કેટલાક દિવસથી પરિવારમાં વિવાદ ચાલી રહ્યો હતો.
રાજસ્થાનીએ પુત્ર અને પુત્રવધૂ પર કાર ચડાવીને મારી નાખ્યાં
રાજસ્થાનના ચુરુ જિલ્લામાં પંચાયતની ચૂંટણીને લઈને થયેલા વિવાદ બાદ રામચંદ્ર જાટ નામની વ્યક્તિએ ૪૦ વર્ષના પુત્ર રવીન્દ્ર અને તેની ૩૫ વર્ષની પત્ની મહિન્દ્ર પર બોલેરો ગાડી ચડાવીને તેમની હત્યા કરી હતી. રામચંદ્ર જાટ સરપંચપદ માટે ચૂંટણી લડવા માગતા હતા, પરંતુ તેમનાં પુત્ર રવીન્દ્ર અને પુત્રવધૂ મહિન્દ્રએ એનો વિરોધ કર્યો હતો. બોલાચાલી બાદ રામચંદ્રએ તેમના પર ગાડી ચડાવી દીધી હતી. આ કેસમાં રામચંદ્ર જાટની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના મંગળવારે રાત્રે લગભગ ૧૨.૫૦ વાગ્યે તારાનગર તાલુકાના ચાંગોઈ ગામમાં બની હતી. રામચંદ્ર જાટ ગામમાં વે-બ્રિજનો વ્યવસાય ધરાવે છે. તેઓ સરપંચની ચૂંટણી લડવા માગતા હતા, પરંતુ પુત્ર રવીન્દ્ર અને પુત્રવધૂ મહિન્દ્રએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ બાબતને લઈને છેલ્લા કેટલાક દિવસથી પરિવારમાં વિવાદ ચાલી રહ્યો હતો. મંગળવારે રાત્રે પિતા અને પુત્ર વચ્ચે પણ બોલાચાલી થઈ હતી. આ ઝઘડા બાદ રામચંદ્ર અને રવીન્દ્ર વે-બ્રિજ (વજન કાંટા) પર ગયા, જ્યાં મહિન્દ્ર પણ આવી પહોંચી. ત્યાં ત્રણેય વચ્ચે ફરીથી બોલાચાલી થઈ હતી. રવીન્દ્ર અને મહિન્દ્ર પાછાં ફરી રહ્યાં હતાં ત્યારે રામચંદ્ર પાછળથી પોતાની બોલેરો ગાડી લઈને આવ્યો અને તેમને કચડી નાખ્યા હતા. રવીન્દ્ર અને મહિન્દ્રને ૧૧ વર્ષની પુત્રી છે.
સરકારે રેલવે-કર્મચારીઓને ૭૮ દિવસનું બોનસ આપવાની જાહેરાત કરી
કેન્દ્ર સરકારે દિવાળી પહેલાં ૧૧.૪૦ લાખ રેલવે-કર્મચારીઓને ૭૮ દિવસનું બોનસ આપવાની મોટી જાહેરાત કરીને ભેટ આપી હતી. બુધવારે મળેલી કૅબિનેટ બેઠકમાં લેવાયેલા આ નિર્ણય મુજબ કર્મચારીઓને વધુમાં વધુ ૧૭,૯૫૧ રૂપિયાનું બોનસ મળશે જેના પર કુલ ૨૦૦૯ કરોડ રૂપિયા ખર્ચ થશે. આ બોનસનો લાભ મુખ્યત્વે ટ્રૅક મેઇન્ટેનર, લોકો પાઇલટ, ગાર્ડ, સ્ટેશન-માસ્ટર, સુપરવાઇઝર, ટેક્નિશ્યન, પૉઇન્ટ્સમૅન અને ગ્રુપ સીના અન્ય કર્મચારીઓને મળશે.
૩ પેન્શન યોજનાઓમાંથી ઇન્દિરા ગાંધીના નામની બાદબાકી
કૅબિનેટે પાંચ સામાજિક સહાય યોજનાઓનાં નામ બદલવાનો પણ અત્યંત મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો હતો જેમાં ભૂતપૂર્વ વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીના નામવાળી ત્રણ પેન્શન યોજનાઓમાંથી તેમનું નામ હટાવીને એમાં પ્રધાનમંત્રી શબ્દ જોડવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય સામાજિક સહાયતા કાર્યક્રમ હવે પ્રધાનમંત્રી સામાજિક સહાયતા યોજના તરીકે ઓળખાશે. વૃદ્ધાવસ્થા, વિધવા અને દિવ્યાંગજન પેન્શન યોજનાઓમાંથી ઇન્દિરા ગાંધીનું નામ દૂર કરીને તેમને પ્રધાનમંત્રી પેન્શન યોજનાઓ તરીકે ઓળખાશે.
દિવ્યાંગોના પેન્શનના નિયમોમાં મોટા ફેરફાર
દિવ્યાંગોના પેન્શન નિયમોમાં પણ મોટો ફેરફાર કરાયો હતો જે મુજબ હવે ૧૮ વર્ષની ઉંમરને બદલે જન્મથી જ દિવ્યાંગ બાળકોને પેન્શનનો લાભ મળશે. આ માટે દિવ્યાંગતાની પાત્રતા-મર્યાદા પણ ૮૦ ટકાથી ઘટાડીને ૪૦ ટકા કરી દેવામાં આવી છે જેથી વધુ જરૂરિયાતમંદ લોકોને સીધો ફાયદો મળી શકે અને આગામી પાંચ વર્ષ માટે ૫૩,૪૨૮ કરોડ રૂપિયાનો ખર્ચ મંજૂર કરાયો છે.