28 January, 2026 09:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં મહારાષ્ટ્ર કૅબિનેટ સબ-કમિટીએ મંગળવારે મુંબઈ ઍરપોર્ટ અને નવી મુંબઈ ઍરપોર્ટને જોડતા મેટ્રો 8 પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. મુખ્ય પ્રધાને આશ્વાસન આપ્યું હતું કે અમે આ પાંચ વર્ષનો પ્રોજેક્ટ સાડાત્રણ વર્ષમાં પૂરો કરવાનો પ્રયત્ન કરીશું.
દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યા મુજબ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ ૨૨,૮૬૨ કરોડ રૂપિયા છે. નવા મેટ્રો કૉરિડોર માટે આગામી ૬ મહિનામાં જમીન-સંપાદનનું કામ પણ પૂરું કરવાનો આદેશ આપ્યો છે. આ પ્રોજેક્ટ માટે લગભગ ૩૦.૭ હેક્ટર જમીનની જરૂર છે. જમીન-સંપાદનનો ખર્ચ ૩૮૮ કરોડ રૂપિયા થવાની ધારણા છે.
જમીન-સંપાદન બાદ પ્રોજેક્ટ ૩ વર્ષમાં પૂરો કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે જેના માટે મુખ્ય પ્રધાને અધિકારીઓને પ્રોજેક્ટ શરૂ થાય એ પહેલાં તમામ જરૂરી મંજૂરીઓ મેળવવાનો નિર્દેશ પણ આપ્યો છે. એક વાર કાર્યરત થઈ ગયા પછી મેટ્રો 8 કૉરિડોર બે મુખ્ય ઍરપોર્ટ વચ્ચે મુસાફરીના સમયમાં નોંધપાત્ર ઘટાડો કરશે એવી અપેક્ષા છે.
મેટ્રો 8ની કુલ લંબાઈ લગભગ ૩૫ કિલોમીટર હશે, જેમાંથી ૯.૨૫ કિલોમીટર અન્ડરગ્રાઉન્ડ હશે. કુલ પચીસ સ્ટેશનમાંથી છ સ્ટેશન અન્ડરગ્રાઉન્ડ હશે, જ્યારે ૧૪ એલિવેટેડ હશે. લોકમાન્ય તિલક ટર્મિનસ (LTT) અને કુર્લા જેવા મુખ્ય રેલવે-જંક્શનને પણ મેટ્રોલાઇન સાથે જોડવામાં આવશે. ઉપરાંત મેટ્રો 8 અન્ય ત્રણ મેટ્રો લાઇન સાથે ઇન્ટરચેન્જ થઈ શકશે.
આ પ્રોજેક્ટના ફન્ડ માટે દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટતા કરી હતી કે વીસ ટકા કેન્દ્ર સરકારની ઇક્વિટી હશે, વીસ ટકા રાજ્ય સરકાર વાયેબિલિટી ગૅપ ફન્ડિંગ (VGF) તરીકે આપશે અને બાકીના ૬૦ ટકા પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) ઑપરેટરો દ્વારા આપવામાં આવશે.