બીએમસીએ ચોમાસામાં તમારી હેરાનગતિ દૂર કરવા માટે કમર કસી

29 March, 2022 11:27 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

ત્રણ વર્ષ પહેલાં લૉન્ચ કરેલી ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ઍપને વધારે ‌ફીચર્સ સાથે રી-લૉન્ચ કરવાની તૈયારી કરી રહી છે સુધરાઈ. જેમાં તમને તમામ અપડેટેડ માહિતી આંગળીના ટેરવે મળી રહેશે

ફાઇલ તસવીર

ટ્રાફિક, ગરમી, વરસાદમાં પાણી ભરાવાં, ટ્રેન મોડી પડવા જેવી અનેક મુશ્કેલીઓનો રોજેરોજ સામનો કરતા મુંબઈગરાની મુશ્કેલીઓ દૂર થશે કે નહીં એની ખબર નથી, પણ એ મુશ્કેલીની આગોતરી જાણ થાય તો એમાં ન સપડાતાં કોઈ વિકલ્પ પર કામ કરી શકે એવી રાહત આપવાનું મુંબઈ મહાનગરપાલિકાના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ વિભાગે નક્કી કરીને એક મોબાઇલ-ઍપ બનાવી છે, જે મોબાઇલના પ્લેસ્ટોરમાંથી Disaster Management MCGM ટાઇપ કરીને ડાઉનલોડ કરી શકાશે. આમ તો આ ઍપ છેલ્લાં ત્રણ વર્ષથી છે, પણ‌ લોકોને એની બહુ જાણ ન હોવાથી તેમ જ એમાં અમુક ‌ફીચર્સ ઉમેરીને વધુમાં વધુ લોકો સુધી એ પહોંચી શકે એવા આશય સાથે રી-લૉન્ચ કરવામાં આવી રહી છે.

મુંબઈ સુધરાઈના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટે આ ઍપ દ્વારા અન્ય નાગરી સુવિધાઓ સાથે વેધર, ટ્રાફિક, ટ્રેન અને શહેરની હવા જેવી બાબતોને સાંકળી લેવામાં આવી છે, એમ જણાવતાં ડિઝૅસ્ટર મૅનેજમેન્ટના ડિરેક્ટર મહેશ નાર્વેકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મૂળમાં તો આ બે-ત્રણ વર્ષ પહેલાં ડેવલપ કરેલી ઍપ છે, પણ લોકોમાં એ વિશે બહુ જાણકારી નહોતી. હવે અમે તેને વધુ માહિતીપ્રદ બનાવી રહ્યા છીએ, જેને કારણે વધુ ને વધુ લોકો એનો ઉપયોગ કરી લેટેસ્ટ માહિતી મેળવી શકે. ટ્રાફિકની માહિતી અપડેટ થતી રહેતી હોવાથી લોકોને એ ઉપયોગી થશે. એ ઉપરાંત ચોમાસામાં પણ વેધરની માહિતી મળતી હોવાથી ક્યાં પાણી ભરાયાં છે, કેટલો વરસાદ પડી શકે છે જેવી માહિતી લોકોને મળશે. ફ્લાઇટ પર વેધરની કેવી અસર રહેશે એની માહિતી પણ મળી રહેશે. અમે અમારી વેબસાઇટ અને ઍપ બન્ને વધુ ફીચર્સ સાથે લાવી રહ્યા છીએ. હાલમાં પણ ઍપ કાર્યરત છે જ, એમ છતાં એ માટે લોકો પાસેથી જે ઇન્પુટ્સ મળતાં હોય છે એના આધારે એ બાબતોનો સમાવેશ કરી રહ્યા છીએ, લગભગ મે મહિનાના અંત સુધીમાં અથવા જૂનના પહેલા પખવાડિયામાં નવાં ફીચર્સ સાથે ઍપ ફરી લૉન્ચ કરીશું.’

ખાસ કરીને ચોમાસામાં મુંબઈમાં કેટલી જગ્યાએ જોરદાર વરસાદ પડશે, ક્યાં પાણી ભરાયાં છે, ડાઇવર્ઝન ક્યાંથી કરાયું છે, ટ્રાફિક જૅમ ક્યાં છે, કયો વૈકલ્પિક રોડ લેવો, ક્યાં ભેખડ તૂટી પડવાની શક્યતા છે, કયાં મકાન જર્જરિત છે, લોકોએ ક્યાં આશરો લેવો એવી માહિતી સાથે ઇમર્જન્સી હેલ્પલાઇન-નંબર પણ એમાં આપવામાં આવશે.  

એ ઉપરાંત એમાં SOSની સુવિધા પણ આપવામાં આવી છે. જો તમે ઍપ સાથે તમારું લોકેશન શૅર કર્યું હશે તો ઇમર્જન્સીમાં એ લોકેશનના આધારે સહાય વહેલી તકે પહોંચાડવામાં મદદ મળી શકશે. એ સિવાય ઇમર્જન્સી બટન દબાવતાં જીપીએસ લોકેશનના આધારે તમે જ્યાં હશો એના ૫૦૦ મીટરમાં આવતાં પોલીસ-સ્ટેશન, હૉસ્પિટલ, ફાયર બ્રિગેડ વગેરે માહિતી પણ મળી શકશે. એ ઉપરાંત સેફ્ટી ટિપ્સ હેઠળ ૨૦ જેટલી અન્ય માહિતી પણ મળી શકશે. 

mumbai mumbai news brihanmumbai municipal corporation mumbai rains mumbai monsoon bakulesh trivedi