ઍરપોર્ટના ડસ્ટબિનમાંથી મળી આવેલા ભ્રૂણનો કેસ સૉલ્વ થયો

31 March, 2025 11:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઘટના સાથે સંકળાયેલી ૧૬ વર્ષની ટીનેજર પર પાલઘરમાં રહેતા તેના સંબંધીએ બળાત્કાર કર્યો હતો

પ્રતીકાત્મક તસવીર

મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટના વૉશરૂમના ડસ્ટબિનમાંથી મંગળવારે એક ભ્રૂણ મૃત અવસ્થામાં મળી આવ્યું હતું. આ બાબતે સહાર પોલીસે તપાસ કરતાં મહિલા અને તેની ૧૬ વર્ષની દીકરીનું આ કારનામું હોવાનું બહાર આવ્યું છે.

સહાર પોલીસે આ સંદર્ભે કેસ નોંધી એ મૃત ભ્રૂણ કોનું હતું એ બાબતે તપાસ ચાલુ કરી હતી. તેમણે ઍરપોર્ટ પરના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ અને બધી જ ઍરલાઇનના પૅસેન્જરના લિસ્ટ કઢાવી તપાસ શરૂ કરી હતી જેમાં એક મહિલા અને તેની ૧૬ વર્ષની દીકરી ઝડપાઈ ગઈ હતી. ઍરપોર્ટ પર ટીનેજરને મિસકૅરેજ થઈ જતાં વૉશરૂમમાં ભ્રૂણનો નિકાલ કર્યા બાદ મા-દીકરી રાંચી ચાલી ગઈ હતી. પોલીસે તેમને નોટિસ મોકલાવી હતી અને બન્ને પાછી આવ્યા બાદ તેમની પૂછપરછ કરવામાં આવી હતી. 

ઘટના સાથે સંકળાયેલી ૧૬ વર્ષની ટીનેજર પર પાલઘરમાં રહેતા તેના સંબંધીએ બળાત્કાર કર્યો હતો જેના કારણે તે ગર્ભવતી બની હતી. હવે એ સંબંધી સામે પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑ​ફેન્સિસ (POCSO) હેઠળ કેસ નોંધી વધુ તપાસ ચલાવાઈ રહી છે.

મા-દીકરીને પણ નોટિસ મોકલવામાં આવી હતી અને ત્યાર બાદ ટીનેજરની મેડિકલ ટેસ્ટ પણ કરવામાં આવી જેમાં ટીનેજરને મિસકૅરેજ થયું હોવાનું જણાઈ આવ્યું હતું. ટીનેજરના એ ​વ્યક્તિ સાથે સંબંધ હતા. પરિવાર રાંચી એક ફંક્શનમાં હાજરી આપવા જઈ રહ્યો હતો ત્યારે તેને ઍરપોર્ટ પર જ મિસકૅરેજ થઈ ગયું હતું. 

mumbai news mumbai navi mumbai airport mumbai airport Crime News mumbai crime news Protection of Children from Sexual Offences Act POCSO