06 August, 2026 07:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અંબરનાથમાં પ્રાણી પ્રેમીઓ દ્વારા કાઢવામાં આવેલી કૅન્ડલ-માર્ચ.
અંબરનાથમાં બારમા માળેથી એક બિલાડીને નીચે ફેંકીને અેની હત્યા કરી દેવાની ઘટનાને પગલે લોકો અને પ્રાણીપ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અંબરનાથના પાલેગાવસ્થિત રૉયલ ફ્લોરા ફેઝ-2 સોસાયટીમાં ૨૬ જુલાઈએ આ બનાવ બન્યો હતો, જ્યાં રાજુ સાળુંકે નામના માણસે કૉમન લૉબીમાંથી બિલાડીને નીચે ફેંકી દેતાં અેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ સમગ્ર ઘટના સોસાયટીના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરામાં કેદ થઈ ગઈ હતી અને અેનો વિડિયો વાઇરલ થતાં મંગળવાર સાંજે અંબરનાથના છત્રપતિ શિવાજી મહારાજ ચોકથી હુતાત્મા ચોક સુધી મોટી સંખ્યામાં પ્રાણીપ્રેમીઓએ હાથમાં મીણબત્તીઓ અને પોસ્ટરો સાથે કૅન્ડલ-માર્ચ કાઢીને આરોપીને તાત્કાલિક જેલભેગો કરવાની માગણી કરી હતી.
પ્રાણીપ્રેમી યશ જગલેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘટના બાદ બિલાડીને કોઈ કાનૂની પ્રક્રિયા વગર જ દફનાવી દેવામાં આવી હતી, પરંતુ બાદમાં શિવાજીનગર પોલીસે બિલાડીના શબને બહાર કાઢીને પોસ્ટમૉર્ટમ માટે મોકલી આપ્યું હતું. મારી ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધ્યો હતો છતાં આરોપીની હજી સુધી ધરપકડ કરવામાં આવી નથી. આ મામલે માત્ર ફસ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) દાખલ કરવો પૂરતો નથી, આવા અમાનવીય કૃત્યો પર રોક લગાવવા માટે આરોપી સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી અને તેની ધરપકડ અત્યંત જરૂરી છે. મંગળવારે અમે અંબરનાથમાં રહેતા ૧૦૦ લોકોએ કૅન્ડલ-માર્ચ કાઢી હતી. જો કડક કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરવામાં નહીં આવે તો અમે વધુ પ્રમાણમાં પ્રાણીપ્રેમી ભેગા કરીને આક્રમક મોરચો કાઢીશું.’
પોલીસ શું કહે છે?
આ મામલે શિવાજીનગર પોલીસ-સ્ટેશનના સિનિયર અધિકારીએ કાનૂની સ્થિતિ સ્પષ્ટ કરતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બિલાડી વિશે નોંધવામાં આવેલી ફરિયાદમાં આરોપીની સીધી ધરપકડ કરવાની અમારી પાસે સત્તા નથી. આ પ્રકારના કેસમાં ૭ વર્ષથી ઓછી સજાની જોગવાઈ હોવાથી કાયદા મુજબ આરોપીને માત્ર નોટિસ જ આપી શકાય છે. હાલમાં આરોપી હૉસ્પિટલમાં દાખલ હોવાથી તેને ડિસ્ચાર્જ મળ્યા બાદ કાયદાકીય નોટિસ ફટકારવામાં આવશે.’